ગુજરાત
News of Friday, 20th November 2020

રાજપીપળા શહેરમાં પાંચ દિવસથી સર્વરની તકલીફમાં રેશનકાર્ડ પર અનાજ લેવા જતા ગ્રાહકોને ધક્કા

આજથી સરકાર દ્વારા મફત અનાજ વિતરણ કરવાનું હોય ત્યારે લાભ પાંચમે પણ સર્વર બંધ રહેતા તકલીફ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી સર્વર બંધ રહેતા હાલ રેશનકાર્ડ પર જથ્થો લેવા જતા ગ્રાહકો લાભ પાંચમના દિવસે પણ પરત ફરી રહ્યા છે.

 જાણવા મળ્યા મુજબ આજથી મફત ઘઉં,ચોખા, ચણાનું વિતરણ કરવા સરકાર દ્વારા સૂચના અપાઈ હોય સસ્તા અનાજની દુકાનો પર ગ્રાહકો પહોંચી પરત ફરે છે જેમાં જાણવા મળ્યા મુજબ આમ તો પાંચ દિવસ થી સર્વર બંધ હોય પરંતુ આજે ચાલુ થશે તેવી આશા એ લોકો દુકાનો પર દોડ્યા હતા છતાં આજે લાભ પાંચમ ના શુભ દિવસે પણ આ તકલીફ ત્યાંની ત્યાંજ હોય દશેરા એ ઘોડા ના દોડ્યા જેવો ઘાટ થયો છે.
એક તરફ સરકાર મફત અનાજની જાહેરાત કરે છે પરંતુ બીજી તરફ ઓનલાઇન સિસ્ટમ જ બંધ હોવાથી ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે માથાકૂટ થાય છે જેમાં ખાસ કરીને વૃદ્ધ લોકોને ધક્કા ખાવા અઘરા પડે છે.

(12:11 am IST)