ગુજરાત
News of Friday, 20th November 2020

કોરોના ઈફેક્ટ :ધોરણ 9થી 12ની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર : હવે હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20ના બદલે 30 ટકા કરાયું

પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે પ્રવેશ આપવાની મુદત ત્રીજી વખત લંબાવીને 30 નવેમ્બર 2020 સુધી કરાઈ

અમદાવાદ : કોરોના કાળમાં શૈક્ષણિક ક્ષેત્રમાં વધુ એક નિર્ણ્ય કરાયો છે વર્ષ 2020-21 માટે વિદ્યાર્થીઓનો તણાવ ઘટાડી શકાય તે હેતુથી ધો. 9થી 12ની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણય ખાનગી, રીપીટર તેમ જ પૃથક વિદ્યાર્થીઓને પણ લાગુ પડશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ જ નહીં બલ્કે વાલીઓ પણ રાહત અનુભવશે.

કોરોનાના કારણે હજુ સુધી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઇ  શકયું નથી. ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ મહત્તમ વિદ્યાર્થીઓ પાસે કાં તો વીજળી નથી કે પછી મોબાઇલ નથી, જેથી ઓનલાઇન શિક્ષણ મેળવી શકતા નથી. તાજેતરમાં સરકારે 23મી નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. પરતુ દિવાળીના તહેવારોની સાથે શિયાળાના કારણે કોરોનાના કેસો ફરી એકવાર માથું ઊંચકયું છે. પરિણામ સ્વરૂપ સરકારને શાળા-કોલેજો ફરી શરૂ કરવા પર વિચારણાં કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે

શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9,10 અને 11 વિજ્ઞાન પ્રવાહ-સામાન્ય પ્રવાહ  તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 30 ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 70 ટકા જેટલું કરવામાં આવે છે. અગાઉ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકા સુધી હતું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 50 ટકા હેતુલક્ષી પ્રશ્નો ( ઓએમઆર પધ્ધતિ ) અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ યથાવત રહેશે. આ ઉપરાંત ધોરણ 9થી 12માં પ્રશ્નપત્રમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઇન્ટર્નલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ  દ્વારા ધોરણ 10 અને 12ના વિષયોના સુધારેલા અભ્યાસક્રમ મુજબ પ્રકરણ દીઠ ગુણભાર, પ્રશ્નપત્રનું માળખું અને પરિરૂપની વિગતો તેમ જ ધોરણ 9 અને 11ના વિષયોના સુધારેલા અભ્યાસક્રમ મુજબ પ્રકરણદીઠ ગુણભાર અને પ્રશ્નપત્રના માળખાની વિગતોની જાણ ટૂંક સમયમાં કરવામાં આવશે

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામક બી.એન. રાજગોરે વધુમાં પરિપત્રમાં જણાવ્યું છે કે, શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9થી 12ની શાળાકીય પરીક્ષાઓના પ્રશ્નપત્રો શાળા કક્ષાએ તૈયાર કરવાના રહેશે. પરીક્ષા પધ્ધતિમાં કરેલા ફેરફાર કોવિડ 19ની પરિસ્થિતિના કારણે વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષમાં જ અમલમાં રહેશે.

રાજયમાં કોવીડ 19ની પ્રવર્તમાન પરિસ્થિતિના કારણે અમુક લોકો સ્થળાંતર કરી રહ્યાં હતા. તેથી કેટલાંક વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવવાથી વંચિત રહ્યાં હતા. ધોરણ 9થી 12ના આ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ આપવાની મુદત ત્રીજી વખત લંબાવીને 30 નવેમ્બર 2020 સુધી કરવામાં આવી છે. જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની મંજુરી મેળવીને શાળામાં પ્રવેશ આપી શકાશે. અગાઉ છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી. ત્યારબાદ આ મુદત 30 ઓક્ટોબર 2020 કરવામાં આવી હતી. ફરી એકવાર આ મુદત લંબાવી છે

(9:09 pm IST)