ગુજરાત
News of Wednesday, 20th November 2019

COPDથી ભારતમાં પ્રતિ દિન ૨૩૦૦ મોતને ભેટે છે

વર્લ્ડ સીઓપીડી ડેની ઉજવણી કરવામાં આવી : સીઓપીડીની વહેલી સારવારથી લંગ એટેકને અટકાવવા અપીલ : શહેરમાં ૫૦ ટકાથી વધારે દર્દીઓ સીઓપીડીના

અમદાવાદ, તા.૨૦ :      આજે વર્લ્ડ (ક્રોનીક ઓબસ્ટ્રકટીવ પલ્મોનરી ડિસીઝ) ડેની ઉજવણી કરવામાં આવી હતી. સીઓપીડી એટલે સરળ શબ્દોમાં સમજીએ તો, ફેફસાની શ્વાસનળીમાં રીઢો સોજો. આજે ભારત સમગ્ર વિશ્વમાં સીઓપીડી રાજધાની બની ગયું હોય તેવી સ્થિતિ બની છે. સીઓપીડીની ગંભીરતા એ હકીકતથી જોઈ શકાય છે કે ભારતમાં વિશ્વની તુલનામાં સૌથી વધુ સીઓપીડીના કેસ જોવા મળે છે અને સીઓપીડીના કારણે મૃત્યુના મામલે ભારત બીજા ક્રમે રહેતો દેશ છે. ચોંકાવનારી અને આઘાતજનક વાત એ છે કે, સીઓપીડીથી નોંધાતો મૃત્યુઆંક એઈડ્સ, ટીબી, મેલેરિયા, ડાયાબિટીસ જેવા રોગો કરતાં પણ વધુ છે.     ટી. બી. અસ્થમા, પલ્મોનરી ડીસીઝ સ્પેશ્યાલીસ્ટ ડો. નરેન્દ્ર રાવલે જણાવ્યું હતું. લાયન્સ કલબ અને ડો.રાવલની નિષ્ણાત તબીબોની ટીમ, ટ્રાફિક પોલીસ, અમદાવાદ મેડિકલ એસોસીએશન, હોમીયોપેથી કોલેજના સંયુકત સહકારથી આજે વર્લ્ડ સીઓપીડી ડેની અમદાવાદમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પલ્મોનરી ડીસીઝ સ્પેશ્યાલીસ્ટ ડો. નરેન્દ્ર રાવલ ઉપરાંત ડો. વૈશલ ડી. શેઠ, ડો. કલ્પેશ ટી. પંચાલ, ડો. અવકાશ એ. પટેલ અને ડો. શ્વેતાંગ જાનીએ સીઓપીડી સંદર્ભે ઉપયોગી માહિતી આપતાં જણાવ્યું કે,  વિલંબિત સીઓપીડી નિદાન અને નબળા સીઓપીડી મેનેજમેન્ટના લીધે સ્થિતિ વધુ વણસે છે અને દર્દીને તે લંગ એટેક તરફ દોરી જાય છે. આપણા ફેફસાં જેમ વય વધે તેમ તેના લક્ષણો આક્રમક રીતે દર્શાવવા લાગે છે, જેમકે આપણે ૨૦-૨૫ વર્ષની વયના હોઈએ ત્યારે આપણા ફેફસાં યોગ્ય રીતે કામ કરતા હોય છે પણ વય વધવાની સાથે તેની કામગીરીમાં ઘટાડો થતો હોય છે. આના કારણે વય વધે તેમ શ્વાસ લેવામાં થોડી વધારે તકલીફ થવા લાગે છે. તેમણે ઉમેર્યુ કે, જોખમી પરિબળોનો સતત સામનો અને શ્વસન સંબંધિત ચેપથી સ્થિતિ વધુ વણસે છે. જાગૃતિના અભાવે, તેના લક્ષણો અને અસરો નોંધપાત્ર રીતે લોકોને મદદ મેળવવામાં મુશ્કેલી સર્જે છે અને તેઓ પ્રાઈમરી કેર ફિઝિશિયન પાસે જતા નથી. એટલું જ નહીં તેઓ જનરલ પ્રેક્ટિશનર પાસે જાય તો ત્યારે તેમનું નિદાન સચોટ ન થાય એવું પણ બની શકે છે. લંગ એટેકનું નિદાન ઘણીવાર સીઓપીડીના ખરાબ લક્ષણોના પ્રમાણ પરથી થાય છે જેમાં સામાન્ય કરતાં ઓક્સિજનનું સ્તર ઘટી જાય, ડોક્ટર દ્વારા થયેલા પરીક્ષણના તારણો, શ્વાસમાં ખરખરાટી અને ટૂંકા શ્વાસ લેવાય જેવા લક્ષણો સામેલ હોય છે. લંગ એટેકના લક્ષણો અને સંકેતો ઓળખવા અને ફિઝિશિયન પાસેથી સમયસરની મદદ મેળવવી એ આ રોગના વિકાસને વધુ ગંભીર બનવતા અટકાવવાનો સૌથી ઉત્તમ માર્ગ છે. લંગ એટેકમાં તાત્કાલિક તબીબી સહાયની જરૂર હોય છે અને જો તેની સારવાર ન કરવામાં આવે તો તે ઘાતક નીવડી શકે છે. લંગ એટેક હંમેશા રોકી શકાતો નથી પણ કેટલીક સાવધાનીની મદદથી તેની સંખ્યા અને ફ્રિકવન્સીને ઘટાડવામાં મદદ મળે છે. આ સાથે લંગ એટેકને ઈનહેલર્સથી એરવેને ખોલવામાં મદદ મળે છે અને સોજાને ઘટાડી શકાય છે. લંગ એટેકને નિયમિતપણે દેખરેખ રાખીને ઓળખી શકાય છે અને પીક ફ્લો મીટરનો ઉપયોગ કરીને પીક એક્સપાયરેટરી ફ્લો રેટ નોંધી શકાય છે.  સ્પાઈરોમેટ્રી સૌથી કોમન લંગ ફંક્શન ટેસ્ટ છે. તે સીઓપીડીના નિદાન માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે. તે માપે છે કે તમે કેટલી ઝડપથી અને કેટલા પ્રમાણમાં ફેફસાંમાંથી હવાને બહાર કાઢી શકો છો જે સ્પાયરોમીટરની મદદથી થઈ શકે છે. આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ અને એસટી બસના કડંકટર-ડ્રાઇવરોના લંગ ટેસ્ટ સહિતની તપાસ કરાશે અને જાગૃતિ ફેલાવાશે.

(10:14 pm IST)