ગુજરાત
News of Wednesday, 20th November 2019

હેબિયર્સ કોર્પસ : સરકાર અને પોલીસને કોર્ટે નોટિસ ફટકારી

યુવતીઓની ભાળ મેળવી હાજર કરાવવા માંગ : કેસ માટેની વધુ સુનાવણી આગામી સપ્તાહમાં હાથ ધરાશે અરજદાર પિતાની અરજીમાં આશ્રમ સામે ગંભીર આક્ષેપ

અમદાવાદ, તા.૨૦ :  હાથીજણ પાસે આવેલા સ્વામી નિત્યાનંદ આશ્રમમાં પોતાની પુત્રીઓને મળવા નહી દેવાતાં અને તેઓને આશ્રમ સત્તાવાળાઓ દ્વારા ગુમ કરી દેવાઇ હોવાના આક્ષેપ સાથે યુવતીઓના પિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી હેબીયર્સ કોર્પસ અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે આજે રાજય સરકાર અને પોલીસને નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી આગામી સપ્તાહમાં મુકરર કરી છે. અરજદાર પિતા તરફથી હેબીયર્સ કોર્પસ અરજીમાં તેમની બંને પુત્રીઓની તાત્કાલિક ભાળ મેળવી તેઓને અદાલત સમક્ષ રૂબરૂ હાજર કરાવવા માટે દાદ માંગવામાં આવી હતી. અરજદારપક્ષ તરફથી નિત્યાનંદ આશ્રમની પ્રવૃત્તિઓ અને ગતિવિધિઓને લઇને પણ અરજીમાં ગંભીર સવાલો ઉઠાવાયા હતા અને આશ્રમ સામે કેટલાક ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.

           હાઇકોર્ટે અરજદારની રજૂઆત સાંભળ્યા બાદ સરકારપક્ષ અને પોલીસને નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી તા.૨૬મી નવેમ્બર પર મુકરર કરી હતી. ઉલ્લેખનીય છે કે, હાથીજણ પાસે આવેલા સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં કથિત રીતે બાળકોને ગોંધી રાખવા અને યુવતીઓના ગુમ થવા મામલે ગુમ આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ અને તેની બે સેવિકા પ્રાણપ્રિયા તેમજ પ્રિયાતત્વા સામે ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો છે અને તેના અનુસંધાનમાં આજે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની ધરપકડ કરવામાં આવી હતી.

       ગુમ યુવતીના પિતા જનાર્દન રામકૃષ્ણ શર્માની આ ફરિયાદ મુજબ, સ્વામી નિત્યાનંદ, પ્રાણપ્રિયા, પ્રિયતત્વા તથા આશ્રમના અન્ય માણસોએ ફરિયાદીની બે દીકરી તથા એક દિકરાને નિત્યાનંદની પ્રસિદ્ધિ માટે અલગ અલગ કામગીરીનો ટાર્ગેટ આપી બાળકો પાસે બાળ મજૂરીકરાવી, બિભત્સ ગાળો આપી તથા સજારૂપે માર મારી, ફરિયાદીને બે દીકરી અને દિકરો મળી ન શકે તે માટે આશ્રમથી અપહરણ કરી પુષ્પક સિટીના મકાન નંબર-૧૦૭માં બે અઠવાડીયા સુધી ગોંધી રાખી, એકબીજાની મદદ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.

 

(8:22 pm IST)