ગુજરાત
News of Wednesday, 20th November 2019

મહેસાણા પાસે ગમખ્વાર અકસ્માતમાં શાકભાજી ભરેલી આઇસરનો કચ્ચરઘાણ: ડ્રાઈવરનું મોત

નુગર અને બોદલા વચ્ચે આઈસર અને કાળ સમાન વાહન ટકરાયા :આઈસરનો આગળનો ભાગ રીતસર કપાઇ ગયો

મહેસાણા નજીક વહેલી સવારે  શાકભાજી ભરેલી આઇસર અને મહાકાય વાહન વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં આઇસરનો કચ્ચરઘાણ વળી ગયો અને ડ્રાઈવરનું કરૂણ મોત નિપજ્યું હતું. માર્ગ દુર્ઘટનાને પગલે ટ્રાફિક જામ થયો હતો. મહેસાણા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

   મહેસાણા નજીક નુગર અને બોદલા વચ્ચે આઈસર અને કાળ સમાન વાહન ટકરાયા હતા. જેમાં કોબીજ ભરેલી આઈસરનો આગળનો ભાગ રીતસર કપાઇ ગયો હતો આઇસર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આઈસરનો કચ્ચરઘાણ કરનાર મહાકાય વાહન અને ચાલક ઘટનાસ્થળે ન હોવાથી અનેક સવાલો ઉભા થયા છે.આઈસર મોટું વાહન હોવાથી તેનો આગળનો ભાગ કાપી નાખનાર વાહન ટર્બો ડમ્પર હોઈ શકે છે. અકસ્માતમાં મૃતક યુવાન છે અને તેની સાથે અન્ય કોઈ હતું તેમજ દુર્ઘટના નિપજાવનાર સહિતની તપાસ મહત્વની બની છે.

(12:46 pm IST)