ગુજરાત
News of Wednesday, 20th November 2019

સીટી બસે બાઈકને અડફેડે લેતા પિતા- પુત્ર અને ભત્રીજાનું ઘટના સ્થળે જ મોત

સુરતના ડિંડોલી બ્રિજ ઉપર વ્હેલી સવારે કમકમાટી ભર્યો બનાવ : મુળ મહારાષ્ટ્રના યશવંત પોનીકર પુત્ર અને બે ભત્રીજાને સ્કૂલે મુકવા જતા હતા ત્યારે બસે ઠોકર મારતા ત્રણેયના મોતઃ ભત્રીજો ગંભીર, સારવાર હેઠળ

રાજકોટ,તા.૨૦: સુરત શહેરના ડિંડોલી બ્રિજ પર સિટી બસે એક બાઈક પર સવાર ત્રણ વિદ્યાર્થી સહિત ચારને અડફેટે લીધા હતા. જેને પગલે એક જ પરિવારના પિતા,પુત્ર અને ભત્રીજાના મોત નીપજયા છે. ઘટનાની જાણ થતા પોલીસ દ્યટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

બનાવની વિગતો એવી છે કે મૂળ મહારાષ્ટ્રના વતની યશવંતભાઈ પોનીકર એજન ખાતે પરિવાર સાથે રહેતા હતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન આજે સવારે બાઈક પર દીકરા ભાવેશ, સાહિલ અને ભત્રીજા ભુપેન્દ્રને લઈને પાલિકાની સ્કૂલમાં મૂકવા જઈ રહ્યા હતા.  દરમિયાન ડિંડોલી બ્રિજ પર પૂરપાટ જતી સિટી બસ(GJ-05-BX-3492)ની અડફેટે ચડી ગયા હતા. જેમાં પિતા યશંવતભાઈ અને દીકરા ભાવેશ અને ભત્રીજા ભુપેન્દ્રના ઘટના સ્થળે મોત નીપજયા હતા.અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જયારે સિટી બસનો ચાલક બસ લઈને ભાગી ગયો હતો. જેથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જયારે અન્ય એક ઈજાગ્રસ્ત સાહિલને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જયાં તેની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલાં આ જ ડિંડોલી બ્રિજ પર કારની અડફેટે પાંચ વ્યકિતના મોત થયા હતા.એ જ જગ્યા પર આજે અકસ્માત થયો અને ત્રણ મોતને ભેટ્યા છે. ડિંડોલી બ્રિજ પર થતા અકસ્માતના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અકસ્માતમાં મૃત્યુ પામનાર ભાવેશ અને ભુપેન્દ્ર ઈશ્વરપુર નવાગામ ખાતે આવેલા ૨૪૬ નંબરની પાલિકાની શાળામાં અભ્યાસ કરતા હતા. ઉપેન્દ્ર ધોરણ ૬નો વિદ્યાર્થી હતો. અને ભણવામાં હોશિયાર પણ હતો.

પાલિકાની શાળા નંબર ૩૨માં શિક્ષક દિપકકુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે, સાડા સાત વાગ્યે અકસ્માતમાં પાલિકાની શાળાના બાળકોના મોતની જાણ થઈ ત્યારે તાત્કાલિક તમામ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સિટી બસની ટક્કર એટલી જોરદાર હતી કે, દ્યટના સ્થળે જ ત્રણેયના મોત નીપજયા હતા. ડિંડોલી પોલીસને જાણ કરવા છતા દોઢ કલાકે પણ પોલીસની પ્રોગેસીવ કામગીરી દેખાતી નથી.

(3:34 pm IST)