ગુજરાત
News of Wednesday, 20th November 2019

નિત્યાનંદ કયાં છે? વિડીઓ ઉપર ચિમકી : જોઈ લઈશ!!

અનુયાયીઓ શ્રેષ્ઠ છે : ગુજરાતમાં અમને ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે : મને ઝૂકાવવા વ્યૂહ અપનાવ્યો છે, પણ હું ઝૂકવાનો નથી

સીટની ટીમે આશ્રમમાં જઈ તપાસ કરી : ગૂમ યુવતીઓને તાકીદે શોધી કાઢવા પોલીસવડાનો આદેશઃ પોલીસે નિત્યાનંદ વિશે કર્ણાટક - તામિલનાડુ પાસે વિગતો માગીઅમદાવાદઃ નિત્યાનંદના અમદાવાદના આશ્રમમાં યુવતીઓને ગોંધી રાખવાનો વિવાદ દિવસેને દિવસે વેગવાન બની રહ્યો છે, ત્યારે આ મામલે હવે નિત્યાનંદએ એક વીડિયો દ્વારા ગુજરાતમાં તેના ભકતોને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાનું કહીને ધમકીની ભાષામાં કહ્યું છે કે, મારા આશ્રમના ભકતોને કંઈ થયું તો જોઈ લઈશ. આશ્રમ ઉપર લાગેલા આરોપો મામલે તપાસ કરવા સીટની રચના કરાઈ છે. ગૂમ યુવતીઓને તાત્કાલિક શોધવા ડીજીપીએ સીટને સૂચના આપી છે.

શહેરના છેવાડે હાથીજણમાં આવેલા નિત્યાનંદના આશ્રમમાં કથિત રીતે ગોંધી રખાયેલી પોતાની પુત્રીને મળવા માટે મથામણ કરી રહેલા બેંગાલુરુના પરિવારને આશ્રમ સંચાલકોએ મળવા દીધો નથી.આ મામલે પોતાનો પક્ષ રાખતા સ્વામી નિત્યાનંદે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરી જણાવ્યું છે કે અમારા અનુયાયીઓ શ્રેષ્ઠ છે પણ ગુજરાતમાં અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. હું પહેલા તમને મારું સ્ટેન્ડ કહી દઉં, જે કોઈ મારા પર હુમલો કરે છે તે સિક્રેટ જાણે છે કે, જો મારા ભકતોને શિકાર બનાવવામાં આવશે તો હું સમાધાન કરી લઈશ. તેઓ જાણે છે કે જો તેમના ભકતોને નિશાન બનાવાશે તો હું ઝુકી જઈશ. તેમણે મને ઝુકાવવા એક વ્યૂહ અપનાવ્યો છે. પરંતુ હું ઝુકવાનો નથી.

મારા ગુજરાતના ભકતો શિસ્તબદ્ઘ, સત્યનિષ્ઠ અને અસાધારણ ભકતો છે. મારા ગુજરાતના ભકતો શ્રેષ્ઠ છે, તેમની મારા પ્રત્યેની વફાદારી છે. આ પ્રકારની સ્થિતિમાં પણ મારી રીતે મજબૂત રીતે ઉભા છે. મીડિયા દ્વારા તેને અલગ અલગ એંગલથી નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મારા ગુજરાતના ભકતોને કંઈ થયું તો જોઈ લઈશ. પોલીસે નિત્યાનંદ અંગેની માહિતી મેળવવા તજવીજ હાથ ધરી છે.  આ અંગે કર્ણાટક અને તમિલનાડુ પોલીસ પાસે માહિતી માગી છે. જો કે નિત્યાનંદ હાલ વિદેશમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

નિત્યાનંદિતાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હતી. તેમજ આજે સીટની ટીમે શંકાસ્પદ ગતિવિધિઓને લઈ આશ્રમમાં તપાસ શરૂ કરી છે. જયારે નિત્યાનંદિતાની જયાં શંકાસ્પદ અવર-જવર રહેતી હતી તેવી પુષ્પક સિટીમાંથી નિત્યાનંદિતાની વસ્તુઓ જપ્ત કરી છે. આ ઉપરાંત રાજય પોલીસ વડા શિવાનંદ ઝાએ એસપી રાજેન્દ્ર અસારી અને આઈજી એ.કે.જાડેજાને ગાંધીનગર બોલાવી તપાસ કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમજ બન્ને યુવતીઓને તાત્કાલિક શોધવા સૂચના પણ આપી હતી તેવુ પ્રસિદ્ધ થયુ છે.

(11:53 am IST)