ગુજરાત
News of Wednesday, 20th November 2019

નિત્યાનંદ આશ્રમ પ્રકરણમાં બે સંચાલિકાઓની ધરપકડ કરાઈ

બંને સંચાલિકાઓ પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવા આદેશ : શહેરની વિવેકાનંદનગર પોલીસે પ્રાણપ્રિયા તેમજ પ્રિયતત્વાની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી : હજુ વિગત ખુલશે : લાપતા યુવતીના પિતા દ્વારા ફરિયાદ

અમદાવાદ, તા.૨૦ : સ્વામી નિત્યાનંદ આશ્રમ મામલામાં એક પછી એક ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી રહી છે ત્યારે પોલીસ પણ વધુને વધુ આક્રમક બનીને કાર્યવાહી કરી રહી છે. આના ભાગરુપે સ્વામી નિત્યાનંદ આશ્રમમાં બાળકો પાસે પ્રમોશનલ એકટીવીટી કરાવીને યજમાનો પાસેથી ૧થી ૭ કરોડ ઉઘરાવવામાં આવતા હોવાનો આરોપ અને પુષ્પક સીટીમાં બાળકોને ગોંધી રાખવાના કેસમાં વિવેકાનંદનગર પોલીસે આશ્રમની બે સંચાલિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની ધરપકડ કરતાં ભારે ચકચાર મચી ગઇ છે. ધરપકડ કરવામાં આવેલી બંને સંચાલિકાઓની પુછપરછની સિલસિલો શરૂ થઇ ચુક્યો છે. આ સમગ્ર મામલે ડીવાયએસપી કેટી કામરિયાએ જણાવ્યું હતું કે, બાળકોને અપહરણ કરીને પુષ્પક સીટીમાં ગોંધી રાખ્યાના પુરાવા મળ્યા હતા.

            જને પગલે આજે સવારે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની ધરપકડ કરવામાં આવી છે. બી-૧૦૭ નંબરના મકાનમાં બંને બાળકોના સામાન અને પૂજાવિધિનો સામાન પણ મળી આવ્યો હતો. જેને પગલે કાર્યવાહી કરવામાં આવી છે. આશ્રમમાંથી બાળકોને ૧૦ દિવસ ઉપર આ મકાનમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. ગુમ થયેલી યુવતી નંદિતાને શોધવાની તપાસ ચાલી રહી છે. આઈપી એડ્રેસ પરથી શોધખોળ ચાલી રહી છે. ગઈકાલે રાત્રે આશ્રમમાંથી ૯ અને ૧૦ વર્ષ એમ બે બાળકોએ આશ્રમમાં નહી રહેવાની ફરિયાદ કરતા બંનેને મુક્ત કરાવીને સીડબલ્યુસીને સોંપ્યા છે. તેમના પરિવાર અંગે આશ્રમ પાસેથી માહિતી માંગવામાં આવી છે. બંને બાળકો દિલ્હીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આશ્રમમાં બાળકો પાસે પ્રમોશન એકટીવીટી અને યજમાનો પાસે પૈસા મંગાવાતા હોવાની જે આરોપ છે તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે.

            પિતાએ વિવેકાનંદનગરમાં કરેલી ફરિયાદ મુજબ, તા.૨ નવેમ્બરના રોજ આશ્રમમાંથી તેમની નાની બાળકીને મુક્ત કરાવ્યા બાદ આશ્રમની એક્ટિવિટી બાબતે પૂછતાં તેને જણાવ્યું હતું કે, તા.૨૧ ઓક્ટોબરથી ૧ નવેમ્બર સુધી આશ્રમથી દુર આવેલા પુષ્પક સીટીમાં આવેલા બી-૧૦૭ નંબરના મકાનમાં રાખ્યા હતા. આશ્રમમાં શું શું ગતિવિધિ ચાલે છે? તે બાબતે તેઓએ કોઈને જાણ કરવાની ના પાડી હતી. આશ્રમમાં રાતના સમયે કાસીગ અને એનરિચ (કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કરી સ્વામીજીની પૂજા, હવન, ગૌ રક્ષા, ફોટા, પ્રવચન વગેરે ફેસબુક પર શેર કરવા ટાર્ગેટ આપવો, કોઈપણ સમયે તૈયાર થઈ ડાન્સ કરવો) કરાવતા હતા. આ તમામ પ્રવૃત્તિ આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા કરાવતી હતી.

          બાળકો પાસે દિવસ રાત આશ્રમ યોગીની સર્વગયમપીઠમ નામની સંસ્થા જે ચાલે છે તેની પ્રવૃત્તિની જાણકારી આપવી અને યજમાનો પાસેથી એકથી સાત કરોડ રૂપિયા ઉઘરાવવા ટાર્ગેટ આપવામાં આવતો હતો. આવી પ્રમોશનલ એકટીવીટી કરાવાતી હતી. આશ્રમમાંથી ગયા બાદ પણ કોઈને વાત કરે તો તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે આખરે ફરિયાદ નોંધીને નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન ધરપકડ કરવામાં આવેલી સાધ્વી પ્રાણપ્રિયાનંદ અને પ્રિયાત્વ રિદ્ધિ કિરણને ધરપકડ કરવામાં આવ્યા બાદ મોડી સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી જ્યાં પોલીસે ૧૬ જુદા જુદા મુદ્દાઓ મુકીને રિમાન્ડની માંગ કરી હતી. પોલીસે ૧૦ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા.

(8:17 pm IST)