ગુજરાત
News of Wednesday, 20th November 2019

ચેતવણીરૂપ કિસ્સો : મોબાઈલથી સંપર્કમાં આવેલી બાયડની યુવતીને મોરબીના યુવાને પિંખી નાખી !!

મોરબીમાં કલર ફેક્ટરીમાં રહેતા જેનિસ ગોસ્વામી વિરુદ્ધ બાયડ પોલીસમાં ગુન્હો નોંધાયો

બાયડ તાલુકાના ડેમાઈ ગામની યુવતી સાથે મોબાઈલ ફોનથી સંપર્કમાં આવેલા મોરબીના જેનિસ સંદીપગીરી ગોસ્વામીએ યુવતીના ઘરે આવી મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. મોબાઈલ ફોનથી યુવતીને લગ્ન કરવા સહિતની લાલચ આપી શારીરિક સબંધો બાંધવા માટે મજબૂર કરાતાં આ  બનાવ અંગે બાયડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 આ અંગેની વિગત મુજબ  બાયડ તાલુકામાં રહેતા એક પરિવારની યુવતી મોબાઈલ ફોનના માધ્યમથી મોરબીમાં કલર ફેક્ટરીમાં રહેતા જેનિસ ગોસ્વામીના સંપર્કમાં આવી હતી. જેમાં બંન્ને વચ્ચે ગાઢ મિત્રતા કેળવાયા પછી યુવક અને યુવતી એકબીજાના ઘરે આવ-જા કરતા થયા હતા. જેમાં ગત તા.ર૪ના રોજ મોરબીનો યુવાન ડેમાઈ આવ્યો હતો અને યુવતીના ઘરે જ તેની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.

  યુવકની મોહજાળમાં ફસાયેલી યુવતીને શારીરિક સબંધો બાંધવા માટે વારંવાર દબાણ કરતા યુવકની માંગણીઓથી તંગ આવી જતા અને અપશબ્દો બોલી સતત ધમકી આપતો હોવાથી દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ પોલીસ ફરિયાદ આપી છે. બનાવ અંગે ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે બાયડ પોલીસે આરોપી જેનિસ સંદીપગીરી ગોસ્વામી (રહે.કલર ફેક્ટરી, લાલપર, મોરબી) સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(11:24 am IST)