ગુજરાત
News of Wednesday, 20th November 2019

સ્વામીના ખાસંખાસ સાધ્વી પ્રાણપ્રિયા નંદાની અટક

સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર નિત્યાનંદ આશ્રમમાં બાળકો અને યુવતીઓને ગોંધી રાખવાના મામલામાં નવો વણાંકઃ દેશભરના સ્વામીના ભકતોમાં ભૂકંપઃ સ્વામીને વિદેશથી પ્રત્યાર્પણથી ગુજરાત લાવવા સેન્ટ્રલ આઇબીની મદદ મંગાઇઃ ખાનગીમાં ભારે ધમધમાટ

રાજકોટ, તા., ર૦: સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ અમદાવાદની નજીક આવેલ  હાથીજણ નજીક હીરાપુર ગામનીસીમમાં આવેલ સ્વામી નિત્યાનંદનના સર્વાગી પીઠમ આશ્રમમાં બાળકો અને બે યુવતીઓને ગોંધી રખાયાની ફરીયાદમાં નવો વણાંક આવ્યો છે. અમદાવાદ રૂ.રલ એસપી રાજેન્દ્ર અસારીના માર્ગદર્શન હેઠળ રચાયેલી ખાસ ટીમના ડીવાયએસપી કે.ટી.કામરીયા દ્વારા  પ્રાણપિયા નંદા ઉર્ફે હરીણીચ્ચેલા (રહે.કર્ણાટક, હાલ અમદાવાદ)ની વિવિધ કલમો લગાડી અટક કરવામાં આવ્યાનું સુત્રો જણાવે છે.

આજે સવારે ગુન્હા રજીસ્ટર નંબર ૩૮/ર૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૬પ, ૩૪૪, ૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૧૧૪ તથા ચાઇલ્ડ લેબર (પ્રોહીબીશન એન્ડ રેગ્યુલેશન એકટ  ૧૯૮૬ની કલમ ૧૪ મુજબ આ ગુન્હા નોંધી અટક કરાયાનું ઉચ્ચ પોલીસ વર્તુળોએ અકિલાને જણાવ્યું છે.

ઉકત ઘટના બહાર આવ્યા બાદ પોલીસ દ્વારા ગુપચુપ રીતે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી હતી. લાપતા યુવતીઓના વિડીયો કોલીંગના આઇપી એડ્રેસ મેળવવા માટે  અમદાવાદ સાયબર ક્રાઇમની મદદ લેવા સાથે લાપતા યુવતીના થેલામાંથી મળેલી વસ્તુઓની પણ એફએસએલમાં ચકાસણી માટે મોકલવામાં આવી છે.

દરમિયાન ટોચના સુત્રોમાંથી જાણવા મળતી હકિકત મુજબ હાલ વિદેશમાં રહેલા સ્વામી નિત્યાંનંદનો કબ્જો મેળવવા માટે પણ તેમને પ્રત્યાપણથી ગુજરાત લાવવામાટે અમદાવાદ  ગ્રામ્ય પોલીસે રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા સાથે સેન્ટ્રલ આઇબીની મદદથી પ્રત્યાર્પણ માટેની મુવમેન્ટ શરૂ. કર્યાનું પણ ચર્ચાઇ રહયું છે. આ મામલામાં ચાઈલ્ડ પ્રોટેકટ અધિકારીઓ તથા મહિલા આયોગ દ્વારા પણ આશ્રમની મુલાકાત લેવામાં આવી છે.

નિત્યાનંદમ દ્વારા મિડીયાને ધમકાવવાનું ભારે પડયું છે. મીડીયાને વિશ્વાસમાં લઇ સમગ્ર પ્રકરણની તપાસ ચલાવતી ટીમ પણ મીડીયા સાથેના સ્વામીની આડકતરી ધમકીભરી અને અણછાજતી ભાષાથી નારાજ થઇ ઉઠી છે. આમ આ મામલામાં પ્રથમ ધરપકડથી રાજયભરમાં અને દેશ વિદેશમાં સ્વામી નિત્યાનંદના ભકતોમાં ભુકંપ સર્જાયો છે.

(11:20 am IST)