ગુજરાત
News of Tuesday, 20th November 2018

વડોદરા નજીક સેવાસીના ખાનપુર પાસે લકઝરી કારમાં અચાનક આગ લાગી :બિલ્ડર યુવાન મિહિર પંચાલ ભડથું

લક્ઝુરિયસ કાર ફોર્ડ એન્ડેવર લઈને પસાર થતો મિહિર બેલ્ટને કારણે બહાર નીકળી નહીં શકતા આગની લપેટમાં આવતા કરૂણમોત

વડોદરા નજીક આવેલા સેવાસીના ખાનપુર પાસે લક્ઝરીયસ ફોર્ડ એન્ડઓવર કારમાં આગ લાગતા કારમાં સવાર યુવાનનું મોત નિપજ્યું હતુ. સીટ બેલ્ટ બાંધ્યો હોવાથી યુવાન કારમાંથી નીકળી શક્યો નહોતો. આગમાં ભડથું થયેલ યુવાનની ઓળખ થઇ હતી. મૃતક યુવાન બિલ્ડર મિહિર પંચાલ હોવાનું બહાર આવ્યું હતુ. વડોદરાના મોટા બિલ્ડરમાં મિહિર પંચાલનો સમાવેશ થતો હતો. પોલીસ ઘટના પહોંચીને તપાસ હાથ ધરી હતી.

બિલ્ડર મિહિર પંચાલ પોતાની લક્ઝુરિયસ કાર ફોર્ડ એન્ડેવર લઈને સેવાસીનાં ખાનપુર નજીકથી પસાર થઈ રહ્યો હતો. તેવામાં કારમાં અચાનક આગ લાગતાં રોડની સાઈડ ઉપર ઊભી કરી હતી. જોકે આગ લાગતાં જ આખી કાર જોત જોતામાં આગની લપેટમાં આવી જતાં કારમાં સવાર મિહિર પંચાલ બહાર નીકળી શક્યા નહોતા. સીટ બેલ્ટ બાંધ્યો હોવાથી બહાર નીકળી ન શકતાં આઘની લપેટમાં આવી ગયા હતા.

કારમાં લાગેલી આગ જોઈને લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. તો ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. જોકે ફાયર બ્રિગેડ સ્થળ ઉપર પહોંચે તે પહેલાં કાર બળીને ખાક થઈ ગઈ હતી. જ્યારે યુવાન બિલ્ડર પણ કારમાં જ ભડથું થઈ ગયો હતો. ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો

(11:53 pm IST)