ગુજરાત
News of Sunday, 20th October 2019

ગુજરાતમાં માવઠા-કમોસમી વરસાદની આગાહી અકબંધ

૨૩મી સુધી માવઠાની આગાહી કરાઈ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠા અને કમોસમી વરસાદની શકયતા : ઠંડીનો ચમકારો રહેશે

અમદાવાદ, તા.૨૦ : પોરબંદરમાં અરબી સમુદ્રમાં લો પ્રેશરના પગલે પોરબંદરનો દરિયો તોફાની બનવાની અને આ નવી અપરએર સાયકલોનીક સીસ્ટમની અસરના ભાગરૂપે હજુ તા.૨૩મી ઓકટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠા અને કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સાયકલોનીક સીસ્ટમ અને લો પ્રેશર સર્જાવાને પગલે રાજયમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં ગઇકાલે વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો હતો અને ભારે પવન ફુંકાવાની સાથે અચાનક માવઠાનો વરસાદ તૂટી પડયો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી, વેરાવળ, વડેરા, રંગપુર સહિતના પંથકોમાં વરસાદ નોંધાયો હતો. આ જ પ્રકારે દાહોદના ગરબાડા સહિતના પથકમાં પણ છૂટોછવાયો કમોસમી વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. હવામાન ખાતાની આગાહી મુજબ,હજુ પણ તા.૨૩મી ઓકટોબર સુધી વરસાદી માહોલ રહેવાની શકયતા છે. રાજયમાં ફરી એકવાર માવઠાની પરિસ્થિતિને લઇ ખેડૂતો પાકની નુકસાનીને લઇ ભારે ચિંતામાં ગરકાવ થયા છે.

             હવામાન ખાતા દ્વારા અરબી સમુદ્રમાં સાયકલોનીક સીસ્ટમ અને લો પ્રેશર સર્જાતા માવઠાની આગાહી કરવામાં આવી છે. આમ તો ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતુ નવરાત્રિની જેમ દિવાળી પણ બગડે તેવા એંધાણ સર્જાઈ રહ્યાં છે. હવામાન વિભાગ મુજબ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સીસ્ટમ ફરીથી સક્રિય થતા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા તેની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. તો, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દારા નગર હવેલીમાં આગામી બે દિવસ ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તેમજ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન ખાતાની આગાહીને લઇ હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માવઠાના કારણે પાકની નુકસાનીને લઇ ચિંતાતુર બન્યા છે. એકબાજુ માવઠા અને કમોસમી વરસાદની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

              બીજી બાજુ ઠંડીનો ચમકારો માવઠાગ્રસ્ત વિસ્તારમાં જોવા મળે તેવી શક્યતા પણ છે. હાલમાં બેવડી સિઝનના કારણે હાલત કફોડી બનેલી છે. દિવસમાં ગરમી અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. વહેલી પરોઢે પણ ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે જેથી મોટી સંખ્યામાં લોકો હાલમાં બિમાર પણ થયા છે. વરસાદી માહોલના કારણે રોગચાળાના કેસોમાં વધારો પણ થયો છે. ડેંગ્યુના રોગચાળાએ ભારે આતંક મચાવ્યો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૨.૬ અને લઘુત્તમ તાપમાન ૨૩.૬ ડિગ્રી રહ્યું હતું. લઘુત્તમ તાપમાનમાં હવે દિન પ્રતિદિન ઘટાડો થઇ શકે છે.

(9:50 pm IST)