ગુજરાત
News of Saturday, 20th October 2018

રાજકોટ અને સુરતને રેરાની ઝોનલ કચેરી ટૂંકમાં જ મળશે

નજીકના ભવિષ્યમાં નિર્ણય લેવાય તેવી શકયતા : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના બિલ્ડરોને જરૂરી પ્રક્રિયા માટે ગાંધીનગરમાં આવવું પડતું હોવાથી રજૂઆત કરાઇ

અમદાવાદ, તા.૨૦ : ગ્રાહકોને તમામ પ્રકારની સુવિધા સાથે મજબૂત બાંધકામ મળે તે માટે સરકારે રાજ્યમાં રેરાનો કાયદો અમલી બનાવ્યો છે, જેની મુખ્ય કચેરી ગાંધીનગર ખાતે કાર્યરત છે. કેટલીક વહીવટી પ્રક્રિયાના કારણે ઊભી થતી સમસ્યાનાં કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના બિલ્ડરોએ રેરાની કચેરી ગાંધીનગર ખાતે ધક્કા ખાવા પડતા હોઈને બિલ્ડર એસોસિયેશન દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઝોનલ કચેરી આપવાની માંગ કરાઈ હતી. જેને પગલે હવે નજીકના ભવિષ્યમાં જ રાજકોટ અને સુરતને રેરાની ઝોનલ કચેરી મળવાની શકયતાઓ બળવત્તર બની છે. બિલ્ડર એસોસીએશન તરફથી મળેલી રજૂઆત અને માંગણી પરત્વે  રાજય સરકારનાં શહેરી વિકાસ વિભાગે હકારાત્મક રીતે વિચારણા કરવાનું કહેતાં ટૂંક સમયમાં રેરાના વહીવટીકામ અંગે ગાંધીનગર ધક્કો ખાતા બિલ્ડરોને તેમના ઝોન સુધી જ રજૂઆત કરવાનું સરળ બનશે. તાજેતરમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં બાંધકામના ઓનલાઇન પ્લાન પાસ કરાવવાની જટિલ પ્રક્રિયાના કારણે ઊભી થયેલી સમસ્યાઓના સમાધાનનાં ભાગરૂપે આગામી ત્રણ મહિના સુધી ઓફલાઈન પ્લાન મંજૂર કરવાની મંજૂરી આપી છે, આ અંગે રાજ્યભરના બિલ્ડર એસોસિયેશનનાં આગેવાનો રેરા કમિટીનાં ચેરમેનને રૂબરૂ મળ્યા હતાં અને તેમને પડતી સમસ્યાઓની રજૂઆત કરી હતી. રેરાનાં કાયદામાં રહેલી કેટલીક સમસ્યાઓ બાબતે પણ તેને ઉકેલવા માટે રજૂઆત કરી હતી. તેમને તેમના મુખ્ય પ્રશ્ન રેરા રજિસ્ટ્રેશનથી લઈને અમલવારીના નિયમમાં કોઈ મુશ્કેલી હોય તો છેક ગાંધીનગર સુધી આવવું પડે છે, તે બાબતે પણ કહ્યું હતું. તેથી રેરા દ્વારા ઝોનલ ઓફિસ ફાળવવા બાબતે તેઓ પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું. આ અંગે બિલ્ડર અસોસિયેશનના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે રેરાની ઝોનલ કચેરીઓ શરૂ કરવા ઉપરાંત અમે રેરા ચેરમેનને પેનલ્ટીની રકમ ઘટાડવા બાબતે પણ રજૂઆત કરી છે. અમને વિશ્વાસ છે કે ઝડપથી રેરાની ઝોનલ કચેરી શરૂ કરવામાં આવશે. સરકાર દ્વારા ટૂંક સમયમાં આ સમગ્ર મામલે નિર્ણય લેવાય તેવી શકયતા છે.

(8:23 pm IST)