ગુજરાત
News of Saturday, 20th October 2018

વિદ્યાનગરમાં લોભામણી જાહેરાતના બહાને છેતરપિંડી કરનારનો આંકડો વધીને 5 કરોડે પહોંચ્યો હોવાની માહિતી

આણંદ: નજીક આવેલા વિદ્યાનગરમાં અનુપમ એન્ટરપ્રાઈઝ જનસેવા મિશનના નામે ઓફિસ ખોલીને બાકરોલના શખ્સે પોતાના બે પુત્રો તથા ભાઈ સાથે મળીને કરેલી ૧.૦૯ કરોડની છેતરપીંડીનો આંકડો ૫ કરોડ ઉપરાંત પહોંચશે તેમ મનાઈ રહ્યું છે. પોલીસ દ્વારા બંદોબસ્તમાંથી ફ્રી થઈને હવે આ કેસમાં ફરાર થઈ ગયેલા ચારેય શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બાકરોલ ખાતે રહેતા સફીમહંમદ સુલેમાનભાઈ વોરાએ સને ૨૦૧૫માં વિદ્યાનગરના રઘુવીર ચેમ્બર્સ પાસે આવેલા સીલ્વર ઓક બીલ્ડિંગમાં ઓફિસ ખોલીને ઈનામી ડ્રોની સ્કીમ ચાલુ કરી હતી જેમાં માસિક એક હજાર રૂપિયા ઉઘરાવીને દર માસે ડ્રો કરીને બાઈક આપવામાં આવતું હતુ. શરૂમાં નિયમિત રીતે ઈનામી ડ્રો કર્યા હતા તેમજ હપ્તાની મુદ્દત પુરી થઈ ગઈ હોય અને જેમને ઈનામ ના લાગ્યું હોય તેમને નક્કી કરેલી રકમ પણ રોકડમાં ચુકવી હતી. જેને લઈને લોકોનો વિશ્વાસ બેઠો હતો અને એકબાદ એક ૫૦૦ જેટલી વ્યક્તિઓ આ સ્કીમમાં જોડાઈ હતી જેમની પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવીને સફીમહંમદ, તેના બે પુત્રો સાયેબભાઈ, સાદીકભાઈ તથા ભાઈ વાહીદ સાથે ઘર અને ઓફિસને તાળુ મારીને ફરાર થઈ ગયો હતો. 

(5:43 pm IST)