ગુજરાત
News of Saturday, 20th October 2018

અમદાવાદમાં થેલેસેમીયાથી પીડિત બાળકનો જીવ બચાવવા માટ ડો. પરિમલ શારદાઅે સ્ટેમ સેલ ડોનેટ કર્યા

અમદાવાદ: દર્દીનો જીવ બચાવવા માટે ડૉક્ટર પોતે ડોનર બને તેવી ઘટના જવલ્લેજ જોવા મળે છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે, જ્યાં થેલેસીમિયાથી પીડિત એક બાળકનો જીવ બચાવવા માટે ડૉક્ટરે સ્ટેમ સેલ ડોનેટ કર્યા. વેદાન્તા હેમાટો ઓન્કોલોજી ક્લિનિકના ડોક્ટર્સની ટીમ સાથે કામ કરતાં પેથોલોજીસ્ટ ડૉ. પરિમલ શારદાએ 4 કલાકની પ્રક્રિયામાંથી પસાર થઈને પોતાના સ્ટેમ સેલ ડોનેટ કર્યા છે.

પાંચ વર્ષ પહેલા ડોનર બન્યા

39 વર્ષીય ડૉ. પરિમલ શારદાએ પાંચ વર્ષ પહેલા ડોનર તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને આ મહિને તેમને સ્ટેમ સેલ ડોનેટ કરવા માટે ફોન આવ્યો. 11 વર્ષના થેલેસીમિયા (મેજર) દર્દીની સારવાર આ જ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહી છે. ડૉક્ટરની ટીમને જાણ કરવામાં આવી કે, પર્ફેક્ટ મેચ ધરાવતો ડોનર મળી ગયો હોવાથી ટ્રાન્સપ્લાન્ટની તૈયારી કરવામાં આવે. વેદાન્તા એન્ડ ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના હેમાટોઓન્કોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશયન ડૉ. સંદીપ શાહે જણાવ્યું કે, “સ્ટેમ સેલ ડોનર અને મેળવનારના નામ ગુપ્ત રાખવામાં આવે છે. ડોનર મળી જતાં તરત જ ડોક્ટર અને દર્દીને જાણ કરી દેવામાં આવી.”

‘નવું જીવન આપવાથી મોટી ખુશી કોઈ નથી’

થેલેસેમિયા મેજરથી પીડિતા 11 વર્ષના છોકરાના માતા-પિતાએ એમ વિચારીને બીજા બાળકને જન્મ આપ્યો કે તેના સ્ટેમ સેલ મેચ થશે પરંતુ એવું ન થયું. સ્ટેમ સેલ ડોનર ડૉ. પરિમલ શારદાએ કહ્યું કે, “નાના-નાના કેન્સર અને થેલેસેમિયા પેશન્ટની પીડા જોઈને મેં ડોનર બનવાનું નક્કી કર્યું. 50 ટકા કેસમાં રજિસ્ટર થયેલા ડોનર છેલ્લી ઘડીએ વિચાર બદલી નાખે છે, પરિણામ સ્વરૂપે બાળકો વિકટ સ્થિતિમાં મૂકાય છે. અમારો પ્રયાસ છે કે લોકો ડોનેશ માટે આગળ આવે. બાળકને નવું જીવન આપવાની ખુશીના તોલે કશું જ આવતું નથી.”

(5:00 pm IST)