ગુજરાત
News of Saturday, 20th October 2018

પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓ વચ્ચેનો વિખવાદ વધુ વકર્યો?

પાલડીમાં આજે ''લોક સરકાર''ના કાર્યાલયનું ઉદ્દઘાટન હતું જેના કારણે મુલત્વી રહ્યાનું બ્હાનુ અપાયેલ તે લોકસંપર્ક અભિયાનની બેઠક પણ અચાનક રદ!!: લોક સરકાર દ્વારા સમાંતર પ્રદેશ કોંગ્રેસ સમિતિની કામગીરી શરૂ કરાયાની ચર્ચા!! મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચ્યાના પણ નિર્દેશોઃ આજે અહેમદભાઇ પટેલ લોક સરકારના કાર્યાલયનું ઉદ્દઘાટન કરવાના હતા પરંતુ...

રાજકોટ તા. ર૦: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના બે મુખ્ય આગેવાનો વચ્ચેની સંકલનની ખાઇ વધુને વધુ પહોળી થઇ રહ્યાની ચર્ચા વચ્ચે વિવાદ વધુ વકર્યો હોવાની વાતને પુષ્ટિ મળે તેવી બે ઘટના ફરી સામે આવી છે. વિરોધ પક્ષના નેતા દ્વારા જાહેર કરાયેલ લોક સરકારના કાર્યાલયનું આજે પાલડી ખાતે વરીષ્ઠ રાષ્ટ્રીય નેતા અહેમદભાઇ પટેલના હસ્તે આજે ૧ર વાગ્યે થવાનું હતું. પરંતુ તેને બે દિવસ પહેલા ઓચિંતુ રદ કરાયું હતું. કેમકે આજે બપોરના ૧ર વાગ્યે પ્રદેશ કાર્યાલય ખાતે લોક-સંપર્ક અભિયાન અંગે બેઠક રાખવામાં આવી હતી પરંતુ ગત સાંજે આ બેઠક પણ ઓચિંતી રદ થતા અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી સંકલન રીતે સાથે કામ કરી શકતા ન હોવાની ચર્ચા ઘણા સમયથી ચાલે છે અને આ મામલે વાત છેક દિલ્હી હાઇકમાન્ડ સુધી પહોંચી હોવાનું અને આ માટે જ પ્રદેશ કોંગ્રેસના સંગઠન માળખાની રચના ઘણા સમયથી પાછી ઠેલાયે રાખે છે.

છેલ્લા ઘણા સમયથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન માળખા ત્થા ૧૭ જેટલા શહેર જીલ્લા પ્રમુખોની વરણી અંગે નિર્ણય લઇ શકાતો નથી તે માટે પણ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ વચ્ચેના ગજગ્રાહ ત્થા સંકલનનો અભાવ કારણભૂત હોવાનું મનાય છે.

લોક સરકારની રચના કરીને ગુજરાતની ભાજપ સરકારની સમાંતર પ્રધાનમંડળની રચના કરી લોક સરકાર એપ દ્વારા રાજયભરના લોકોના પ્રશ્નો જાણી તેના ઉકેલ માટે પ્રયાસો કરવા માટે ત્થા સરકારની લોકપ્રશ્નો અંગે નિષ્ફળતાઓને ઉજાગર કરવા માટેની જાહેરાતો થઇ હતી પરંતુ ઘણા સમયથી આંતરીક વિખવાદના કારણે સંકલન થતું ન હોય લોક સરકારની કામગીરી કે કાર્યાલય શરૂ થઇ શકતું નથી.

કોંગી વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ લોકસરકાર દ્વારા ભાજપ સરકારને ભીડવવાની કામગીરીના બદલે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જે કામગીરી કરવાની હોય તેવી કામગીરી આ બેનર હેઠળ શરૂ કરી દેવાતા આંતરીક વિખવાદ વધુ જલ્દ બન્યો હતો. છાનાખૂણે ચર્ચાતી વિગતો મુજબ પ્રદેશ પ્રમુખના વિરોધી મનાતા આગેવાનોના સમુહને લોકસરકારમાં સ્થાન આપવામાં આવી રહયાની વાતથી વિખવાદ વધુ વકર્યો હોવાનું મનાય છે.

આજે ૧૨ વાગ્યે અહેમદભાઇ પટેલના હસ્તે લોકસરકારના કાર્યાલયનું પાલડી ખાતે ઉદ્દઘાટન હતું પરંતુ જોગાનુજોગ કે પછી અગમ્ય કારણોસર આજે જ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે લોકસંપર્ક અભિયાન અંગે ટોચના પ્રદેશ આગેવાનોની બેઠક ગોઠવી દેવાતા કે જોગાનુંજોગ રમાતા લોક સરકાર કાર્યાલયના ઉદ્દઘાટનનો કાર્યક્રમ પણ ઓચિંતો મુલત્વી રખાયો હતો અને તે માટે કારણ પ્રદેશની મહત્વની બેઠકનું અપાયું હતું.

લોકસરકારના કાર્યાલયનું ઉદ્દઘાટન મુલત્વી રખાયાના સમાચાર ૧૮મીએ અપાયા બાદ ગત સાંજે પ્રદેશ કાર્યાલય ખાતે આજે રખાયેલ બેઠક પણ મુલત્વી રખાયાના મેસેજ કોંગ્રેસ અગ્રણીઓને અપાતા પ્રદેશ કોંગ્રેસમાં અને વિધાનસભા વિરોધપક્ષ વચ્ચે સંકલન કે એકવાકયતા નહી હોવાની ચર્ચા જાગી હતી.

અમદાવાદમાં કોંગી વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ ગુજરાત પ્રદેશ માળખાના રથના ેબ પૈડાઓ સાથે ચાલતા ન હોવા અંગેની વિગતોથી હાઇકમાન્ડ પણ હાલ નારાજ હોવાનું અને જો બધુ રાબેતા મુજબ ન થાય તો ચોક્કસ અંકુશો મુકી દેવા પણ મોવડી મંડળે હીલચાલ આદરી છે.(૭.૩૦)

 

(4:04 pm IST)