ગુજરાત
News of Saturday, 20th October 2018

સરકારની એકતા યાત્રાઃ ભાજપ-કોંગ્રેસના રાજકીય ઇરાદાનું'અનાવરણ'

એકતા-અખંડિતતાની વાત સાથે કોંગ્રેસ પર ભાજપના પ્રહારોઃ યાત્રાના નામે ભાજપ રાજકીય રોટલા શેકતો હોવાનો કોંગ્રેસનો આરોપ

રાજકોટ, તા. ૨૦ :. ગુજરાત સરકાર દ્વારા કેવડિયા કોલોની ખાતે તા. ૩૧ ઓકટોબરે વિશ્વની સૌથી મોટી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટિ'નું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થનાર છે. યાત્રા પૂર્વે સરકાર દ્વારા બે તબક્કે ૧૦ હજાર ગામોમાં એકતા યાત્રાનું આયોજન છે. જેનો ગઈકાલથી પ્રારંભ થઈ ગયો છે. યાત્રાને અનુલક્ષીને બન્ને પક્ષોએ સામસામા આક્ષેપો શરૂ કર્યા છે. લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ માટે સૌ દેશવાસીઓ ગૌરવ અનુભવી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ સરદાર પટેલ પ્રત્યે સન્માનની વાત કરે છે પણ રાજકીય રોટલા શેકવાની તક જતી કરતા નથી. બન્ને પક્ષના અગ્રણીઓના પ્રવચનો, નિવેદનો અને ચર્ચામાં રાજકીય ઈરાદાનું અનાવરણ થઈ ગયુ છે.સરકાર અને ભાજપે સરદાર પટેલને કોંગ્રેસે અન્યાય કર્યાની વાત ચગાવી છે. ભાજપના આગેવાનો સરદાર પટેલના બદલે પંડિત નહેરૂને વડાપ્રધાન પદે પસંદ કરાયા તે બાબત વારંવાર ઉછાળે છે. સરકારનો દાવો છે કે એકતા યાત્રા દ્વારા ગામેગામ સરદાર પટેલનો રાષ્ટ્ર ભકિતનો સંદેશ ફેલાવશે.દેશની એકતા-અખંડિતતા વધુ સુદ્રઢ બનાવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટિ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયી બનશે. ગુજરાતની પ્રવાસન પ્રવૃતિને વેગ મળશે.

બીજી તરફ કોંગ્રેસના નેતાઓ એકતા યાત્રાને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ ગણાવી રહયા છે. જો સરકારે માત્ર સરદાર પટેલનો જ સંદેશ ફેલાવવો હોય તો યાત્રા કે અનાવરણ પ્રસંગમાં કયાંક રાજકીય વાત કરવી ન જોઇએ તેમ કોંગ્રેસનું કહેવું છે. ભાજપ પાસે આઝાદીની લડત વખતની કોઇ ધરોહર ન હોવાથી રાજકીય લાભ માટે સરદાર વલ્લભભાઇ પટેલના નામનો ઉપયોગ કરે છે. સરદાર સરોવર ડેમનો પાયો કોંગ્રેસના વખતમાં જ નખાયેલ તે બાબત કોંગ્રેસીઓ યાદ કરી રહયા છે.

પૂર્વ મુખ્યમંત્રી શ્રી સુરેશચંદ્ર મહેતાએ પોતાને સરદાર પટેલ માટે ભારોભાર લાગણી હોવાનું જણાવી ૨૦૧૯ની ચૂંટણી સ્ટેચ્યુ ઓફ યુનિટિના નામે લડવાનો ભાજપનો આશય હોવાનો આક્ષેપ કર્યો છે.

સરકારની યાત્રાને ગામે ગામ કેવો પ્રતિસાદ મળે છે તે હવે પછી ખ્યાલ આવશે પરંતુ યાત્રાના પ્રારંભ સામે જ રાજકીય વિવાદના રથ દોડવા લાગ્યા છે.(૨-૧૦)

(11:39 am IST)