ગુજરાત
News of Saturday, 20th October 2018

ડુંગળી મોંઘી બની : ૧૦ દિવસમાં ભાવ બમણાં થઇ ગયા

ચોમાસુ પાક ઓછો પાકતાં ભાવમાં ઉછાળો : ભાવ વધીને કિલોના રૂ. ૨૦થી ૩૦ બોલાયા

અમદાવાદ તા. ૨૦ : ડુંગળીમાં પહેલા ખેડૂતો રડ્યાં બાદ હવે ગ્રાહકોને રડવાનો વારો આવ્યો છે અને ભાવ ન ધારેલી ગતિએ વધી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં ડુંગળીનાં ભાવ છેલ્લા ૧૦ દિવસમાં બમણાં થઈ ગયાં છે અને આગામી દિવસોમાં ભાવ હજી પણ વધે તેવી સંભાવનાં વેપારીઓ વ્યકત કરે છે..

ડુંગળીનાં એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે નાશીકમાં બજારો ઝડપથી વધી રહ્યાં છે. ચાલુ વર્ષે નબળા ચોમાસાને પગલે ખરીફ સિઝનનો પાક ખૂબ જ ઓછો થયો છે, જેને પગલે હાલ સ્ટોકમાં પડેલી ડુંગળીનાં ભાવ ઊંચા બોલાય રહ્યાં છે અને નવી જે ડુંગળી થોડી-થોડી આવી રહી છે તેમાં ભાવ ઊંચા છે. બીજી તરફ સાઉથમાં ચાલુ વર્ષે ડુંગળીનો પાક મોટા ભાગનો નિષ્ફળ ગયો હોવાથી સપ્ટેમ્બર-ઓકટોબરમાં તેની આવકોનું પ્રેશર ખાસ રહ્યું નથી, જેને પગલે બજારો ભાગવા લાગ્યાં છે.

અમદાવાદ શહેરમાં ડુંગળીનાં ભાવ ૧૦ દિવસ પહેલા ૨૦ કિલોનાં નાશીક કવોલિટીમાં રૂ.૧૮૦થી ૨૪૦ હતા, જે વધીને રૂ.૩૦૦થી ૪૬૦નાં ભાવ હતાં. જયારે દેશી ડુંગળીનાં ભાવ રૂ.૧૦૦થી ૧૬૦ હતા, જે વધીને રૂ.૧૮૦થી ૩૦૦નાં ભાવ રહ્યાં હતાં. આમ ભાવ સરેરાશ બમણાં વધી ગયાં છે. રિટેલ બજારમાં ડુંગળીનાં ભાવ કિલોનાં રૂ.૨૦થી ૨૫ વિસ્તાર અને કવોલિટી પ્રમાણે બોલાય રહ્યાં છે. આગામી દિવસોમાં ડુંગળીનાં ભાવમાં હજી વધારો થવાની ધારણાં છે.

ગુજરાતમાં ડુંગળીનાં મુખ્ય યાર્ડ એવા મહુવામાં ડુંગળીનાં ભાવ કિલોનાં રૂ.૧૨૦થી ૩૫૦ સુધીનાં બોલાય છે, જે પણ નીચામાં ચાલુ મહિનાની શરૂઆતમાં રૂ.૧૦૦થી ૨૪૦ સુધીનાં ભાવ હતાં. ગુજરાતમાં નવી આવકો હજી દિવાળી આસપાસ શરૂ થશે, પરંતુ પાક ઓછો હોવાથી બજારો ઊંચા જ રહેવા ધારણાં છે.(૨૧.૩)

દિવાળીએ ડુંગળી  ૪૦ રૂપિયે કિલો થશે

એક ટ્રેડરે જણાવ્યું હતું કે ડુંગળીનાં ભાવ દિવાળી સુધીમાં વધીને રૂ.૩૫થી ૪૦ની સપાટીએ પહોંચી જાય તેવી સંભાવનાં છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ડુંગળીનો પાક અડધા જેવો માંડ થાય તેવુ લાગે છે, જેને પગલે રિટેલ બજારમાં પણ ભાવ ઊંચકાશે તેવી સંભાવનાં વધી રહી છે.

શહેરમાં ડુંગળીનો ભાવ વધારો

કવોલિટી           ૧ ઓકટો.  ૧૦ ઓકટો.      ૧૯ ઓકટો..

દેશી    ૮૦થી ૧૫૦           ૧૦૦થી ૧૬૦    ૧૮૦થી ૩૦૦

નાશીક  ૧૨૦થી ૨૦૦         ૧૮૦થી ૨૪૦    ૩૦૦થી ૪૬૦

 

(9:56 am IST)