ગુજરાત
News of Sunday, 20th September 2020

શિલી રત્ન બિલ્ડિંગમાં આગ લાગતા અફરા તફરી મચી

અમદાવાદમાં આગ લાગવાનો સિલસિલો જારી : પંચવટીની ઇમારતમાં આગ લાગતા ત્યાંથી પસાર થઇ રહેલા કોન્સ્ટેબલે બિલ્ડિંગમાં પહોંચી ૧૪ના જીવ બચાવ્યા

અમદાવાદ, તા. ૨૦ : શહેરમાં ફરી એક વખત બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. પંચવટી ચાર રસ્તા નજીક આવેલ શિલી રત્ન બિલ્ડિંગમાં સાતમા માળે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જોકે બિલ્ડિંગમાંથી ધુમાડા નીકળતા જ ત્યાંથી પસાર થતાં પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વનાર અને તેમના મિત્ર સની સોલંકી તાત્કાલિક બચાવ કાર્ય માટે બિલ્ડીંગના સાતમા માળે પહોંચી ગયા હતા.

યુવરાજ સિંહનું કહેવું છે કે, જ્યારે તેઓ સાતમા માળે પહોંચ્યા તે સમયે ચારે તરફ ધુમાડો જોવા મળતો હતો પરંતુ એક ઓફિસમાંથી કેટલાક માણસોનો અવાજ આવી રહ્યો હતો, જેથી યુવરાજસિંહ ત્યાં પહોંચ્યા દરવાજો ખોલ આવીને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને તમામ લોકોને સલામત રીતે નીચે ઉતાર્યા હતા. ત્યારબાદ તેઓ બિલ્ડિંગના આઠમા અને નવમા માળે પહોંચ્યા હતા ત્યાં પણ લગભગ દશેક લોકો ફસાયા હતા તેઓને પણ સલામત રીતે નીચે ઉતાર્યા હતા.

આ દરમિયાન ફાયર બ્રિગેડને જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને બચાવ કાર્યમાં લાગી હતી. જોકે સદ્નસીબે આજે રવિવાર હોવાથી મોટાભાગની ઓફિસો બંધ હતી જેના કારણે એક મોટી જાનહાની થતાં અટકી ગઈ છે. આગ કયા કારણોસર લાગી હતી તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું.

પોલીસ જવાન યુવરાજસિંહ વનાર પણ જ્યારે ઉપર પહોંચ્યા ત્યારે તેઓને પણ ગૂંગળામણ થવા લાગી હત, પરંતુ પોતે પોતાના જીવની પરવા કર્યા વગર તરત જ બચાવ કાર્યમાં લાગી ગયા હતા. તેમની સાથે અન્ય એક પોલીસ જવાન ટી આર બીનો જવાન પણ આ બચાવ કાર્યમાં જોડાયો હતો. જોકે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયર જવાનું પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા.

(9:55 pm IST)