ગુજરાત
News of Sunday, 20th September 2020

દિકરાઓને કામધંધો કરવાનું કહેતા પિતાને ઢોર માર માર્યો

પિતાને માર્યા બાદ બંન્ને દિકરોઓ ભાગી ગયા : બંને પુત્રો ઉશ્કેરાઈ ગયા હતા અને પિતા સાથે ઝઘડો કરી બિભત્સ ગાળો બોલી ઘરથી કાઢી મૂકવાની ધમકી આપી

અમદાવાદ, તા.૨૦ : સંતાનને માતા-પિતાની ઘડપણની લાકડી માનવામાં આવે  છે. પરંતુ જ્યારે આ લાકડી માર સ્વરૂપે ઘરડા માતા પિતાને પડે તો શું? શહેરના શાહીબાગમાં પિતાની ઘડપણની લાકડી જ લોખંડની પાઈપ વડે પિતા પર તૂટી પડી છે. પિતાનો વાંક એટલો જ હતો કે, સંતાનોની જિંદગીને બરબાદીના પંથે જતી અટકાવવા માટે સલાહ આપી. શાહીબાગમાં રહેતા વિનોદભાઈએ પોલીસ ફરિયાદ આપી છે કે, તેમના બે પુત્રો રવિન્દ્ર અને વિશાલ કોઈ કામધંધો કરતા નથી અને ખોટા મિત્રોની સોબત કરીને અવાર નવાર ઝઘડા તકરાર કરે છે. જેથી તેમને બંને પુત્રોને ખોટા મિત્રોની સોબત છોડી ને કામધંધે લાગવાની સલાહ આપી હતી. જેથી બંને પુત્રો ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી સાથે ઝઘડો તકરાર કરી બિભત્સ ગાળો બોલી ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી.

            જે બાદ ફરિયાદીએ ઝઘડો ના કરવાનુ  કહેતા જ બંને પુત્રોએ ફરિયાદીને માર મારવા લાગ્યા હતા. રવિન્દ્રએ ખાટલાના લોખંડની પાઈપ લઈ ફરિયાદીના માથાના પાછળના ભાગે મારી દીધી હતી. જોકે, ફરિયાદીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પરંતુ પોલીસ આવે તે પહેલાં જ આરોપીઓએ તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે પોલીસ ફરિયાદ થતાં જ હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

(7:40 pm IST)