ગુજરાત
News of Thursday, 20th September 2018

નિકોલ : વ્યાજખોરોના ત્રાસથી મહિલાનો આપઘાતનો પ્રયાસ

બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર : મહિલાએ પતિની બિમારી માટે ફાયનાન્સ કંપનીઓ પાસે પૈસા ઉધાર લીધા હતા : ઉઘરાણી પેટે ધમકી મળી હતી

અમદાવાદ, તા.૨૦ : શહેરમાં દિવસેને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. શહેરના નિકોલ વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસથી મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.  વ્યાજખોરોએ આ મહિલાને ૧૦ ટકાના વ્યાજદરે આપેલા ૧૫ હજાર રૂપિયાના ઉઘરાણી કરવા માટે ધમકી આપી હતી. આ ધમકીને પગલે ગભરાઇ ગયેલી અને ડરી ગયેલી મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નિકોલ વિસ્તારમાં રહેલી એક મહિલાએ તેના પતિની બીમારીની દવા-સારવારના ખર્ચાઓને પહોંચી વળવા માટે જુદી જુદી ફાયનાન્સ કંપની પાસેથી ઉધાર રૂપિયા લીધા હતાં. આ ફાયનાન્સ કંપનીના પૈસા ચૂકવવા માટે અન્ય ત્રણ વ્યક્તિઓ પાસેથી બીજા પૈસા ઉધાર રૂપિયા લીધા હતા. બસ એકના પૈસા ચૂકવવા બીજાની પાસેથી લઇને  ચૂકવવાનું ચક્કર ચાલ્યા કર્યું હતું અને મહિલા આખરે સમયસર ઉપરોકત શખ્સોના પૈસા ચૂકવી શકતી ન હતી, તેના કારણે વ્યાજખોર શખ્સો દ્વારા મહિલાને પઠાણી ઉઘરાણી કરી કડક શબ્દોમાં ધમકી આપવામાં આવી હતી, જેનાથી મહિલા ગભરાઇ ગઇ હતી અને ડરના માર્યા તેણીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવની જાણ થતાં નિકોલ પોલીસ પણ હરકતમાં આવી હતી અને મહિલાની ફરિયાદ નોંધી તેની તપાસનાભાગરૂપે પઠાણી ઉઘરાણી કરવા ગયેલા અને ધમકી આપનારા  આ ત્રણેય વ્યાજખોરની પોલીસે ધરપકડ લીધી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ જારી રાખી છે.

(8:13 pm IST)