ગુજરાત
News of Thursday, 20th September 2018

પાણીપુરીવાળાઓને હળવી સજા : જંગી જથ્થો નષ્ટ થયો

એકથી ત્રણ હજારનો દંડ વસૂલી પતાવટ કરાઈ : નાગરિકોના આરોગ્યની સાથે ચેડાં કરતાં તત્વો સામે કોર્ટ કાર્યવાહી કરવા ઉગ્ર માંગ : હળવી સજા કરાયાની દલીલો

અમદાવાદ,તા.૨૦ : અમદાવાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા મંગળવારે અચાનક પાણીપૂરીના ધંધાર્થીઓ પર દરોડા પડાયા હતા. આ કામગીરી હેઠળ ૧રપ પાણીપૂરીવાળાના એકમોમાં તપાસ કરીને તંત્ર દ્વારા ૩૮ નમૂના લેવાયા હતા તેમજ ૪ર ધંધાર્થીને નોટિસ ફટકારાઇ હતી. જો કે, તમામ કાર્યવાહી બાદ છેવટે તો અમ્યુકોના હેલ્થ વિભાગના અધિકારીઓએ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતાં પાણીપુરીવાળાઓને આકરી સજા કરવાને બદલે માત્ર અખાદ્ય જથ્થાના ેનાશ કરવાની હળવી સજાનું વલણ અપનાવી સંતોષ માનતાં નાગરિકોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ છે. નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતાં આવા તત્વો સામે કોર્ટ કાર્યવાહી કરી સખત નશ્યત કરવા પ્રજાજનોએ માંગણી કરી છે. શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું હોઇ સત્તાધીશોએ ફરીથી પાણીપૂરીના ધંધાર્થીઓ સામે લાલ આંખ કરી છે તેવું ચિત્ર ભલે સપાટી પર ઉપસ્યું હોય, પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ છે. આરોગ્ય માટે હાનિકારક પૂરીનો મસાલો કે ટોઇલેટ કલીનર ભેળવીને તેના પાણીને એસિડિક બનાવવાની કેટલાક લેભાગુ ધંધાર્થીઓ વિરુદ્ધ હજુ પણ કોર્ટ કાર્યવાહી કરવાનું ટાળવામાં આવે છે. એક-દોઢ મહિના પહેલાં વડોદરામાં પાણીજન્ય રોગચાળાએ ઉપદ્રવ મચાવતાં રાજ્ય સરકારના આદેશથી અમદાવાદ સહિતના રાજ્યનાં અન્ય શહેરનાં પાણીપૂરીના ધંધાર્થીઓ પર સ્થાનિક સત્તાવાળાઓએ દરોડા પાડ્યા હતા તે વખતે વાતાવરણ એટલી હદે ગરમાયું હતું કે કેટલાક ધંધાર્થીઓ તો પોતાના વતન તરફ રવાના થઇ ગયા હતા. પાણીપૂરીની લારીઓ અને દુકાનોને જ તાળાં લાગી જશે તેવી ચર્ચા ઊઠી હતી. તે સમયગાળામાં શહેરમાં પણ હેલ્થ વિભાગે પાણીપૂરીના ધંધાર્થીઓ પર દરોડા પાડ્યા હતા, જેમાં સાવ સડી ગયેલા બટાકા-ચણા વગેરે જોઇને અમદાવાદીઓ રીતસરના હેબતાઇ ગયા હતા, પરંતુ હેલ્થ વિભાગ દ્વારા આવા ધંધાર્થીઓ સામે કોર્ટ કાર્યવાહી કરવાના બદલે માત્ર રૂ.એક હજારથી રૂ.ત્રણ હજારનો દંડ ફટકારીને કર્તવ્યપરાયણતા કોરાણે મૂકી દેવાઇ હતી. કાયદાની ભાષામાં સડેલા બટાકા, ચણા કે ટોઇલેટ ક્લીનર જેવા આરોગ્યને હાનિકારક પ્રવાહી ભેળવીને પાણીને વધુ એસિડિક કરવાની પ્રવૃત્તિ મ્યુનિસિપલ લેબની તપાસમાં  અનસેફ જાહેર કરાય છે. અનસેફ નમૂનાના મામલે આવા ધંધાર્થી સામે મેટ્રોપોલિટન કોર્ટમાંકેસ દાખલ થઇ શકે છે, જેમાં દોષી પુરવાર થનાર ધંધાર્થીને એક લાખ રૂપિયા સુધીનો દંડ અથવા તો છ મહિનાનો કારાવાસ અથવા તો બન્ને સજા ફટકારાય છે. જોકે તંત્ર દ્વારા લેવાયેલા કુલ ૭૦ નમૂના પૈકી એક પણ નમૂનો અનસેફ નીકળ્યો ન હતો, કેમ કે અનસેફ મસાલા કે પાણીનો  અખાદ્ય ગણાવીને સ્થળ પર નાશ કરી દેવાયો હતો. આના કોઇ નમૂના લઇને લેબમાં મોકલાયા ન હતા એટલે કે આવા ધંધાર્થીઓને છાવરાયા હતા.

હવે મંગળવારની કામગીરીમાં પણ હેલ્થ વિભાગ દ્વારા અગાઉની મોડસ ઓપરેન્ડી મુજબ તંત્ર ૪પ૦ કિલો સડેલા બટાકા-ચણા અને રરપ લિટર પાણીનો નાશ કરાયો હતો. ફક્ત ગંદકીના મામલે ૪ર ધંધાર્થીને નોટિસ ફટકારીને સંતોષ માની લેવાયો હતો, જેના કારણે આ વખતે પણ તંત્રે ઓનપેપર કાર્યવાહી કરીને અનસેફ મસાલા અને પાણીનો સ્થળ પર નાશ કરીને ફરીથી આવા લેભાગુ ધંધાર્થીઓને છાવર્યા હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. જો કે, આધારભૂત વર્તુળોના મતે, અનેક વાર કોર્ટ કાર્યવાહીમાં જે તે ધંધાર્થી નિર્દોષ છૂટી જતા હોઇ તંત્રને રૂ.૩૦૦૦ની દંડની રકમ પણ ગુમાવવી પડે છે એટલે આવા પ્રેક્ટિકલ રસ્તો અપનાવી અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા એક રીતે માંડવાળ કરાઇ રહી છે.

(7:27 pm IST)