નડિયાદ તાલુકાના ડભાણ માંડવીમાં ગાડીમાં હોર્ન વગાડવા બાબતે ચાર ઈસમોએ શખ્સને ઢોર માર માર્યો
નડિયાદ:તાલુકાના ડભાણ માંડવી ચોકમાં હોર્ન કેમ વગાડે છે કહી ચાર ઈસમોએ બાઈકચાલકને માર માર્યો હતો. આ બનાવ અંગે નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના માંડવી ચોક ડભાણમાં રહેતા વિશાલકુમાર સુરેશભાઈ સોલંકી ગત તા.૧૩-૯-૨૦૧૮ની સાંજે મોટર સાયકલ લઈને જતો હતો ત્યારે કનુભાઈ રમણભાઈ સોખડાવાળાએ જણાવેલ કે તું અમારા ઘરના બૈરાઓને જોઈ કેમ હોર્ન મારે છે કહી ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. ત્યારે વિશાલભાઈએ ગાળો બોલવાની ના પાડતા કનુભાઈ સોખડાવાળાએ ચંદ્રીકાબેનને જમીન પર પાડી દઈ બૂટથી તથા લાતો મારીને ફેક્ચર કર્યું હતું. આ ઉપરાંત બાઈક ચાલક વિશાલ સોલંકીને પણ ગડદાપાટુ માર માર્યો હતો.
આ બનાવ અંગે વિશાલકુમાર સુરેશભાઈ સોલંકીની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે કનુભાઈ રમણભાઈ સોખડાવાળા, સંજય ઉર્ફે લાલો જશભાઈ સોલંકી, ભરતભાઈ ઉર્ફે ખમણો મનુભાઈ સોલંકી તથા રાજેન્દ્રભાઈ ઉર્ફે મુન્નો કાંતીભાઈ સોલંકી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.