ગુજરાત
News of Thursday, 20th September 2018

ઓછો વરસાદ અને ગરમીનો પારો ઉંચો જતા વીજ માંગમાં એકાએક વધારોઃ રોજની ૧૭ હજાર મેગા વોટ!!

ખાનગી એકસચેન્‍જમાં પીકઅવર્સ દરમિયાન વીજળીના યુનિટ દીઠ રૂા.૧૪નો ભાવ

અમદાવાદ તા.૨૦: ગુજરાતમાં વીજળીની ડિમાન્‍ડ વધીને ૧૭૬૫૨ મેગાવોટની સપાટીએ પહોંચી ગઇ છે. વરસાદની અનિયમિતતા અને અપેક્ષા કરતાં ઓછા વરસાદ પડતાં ગુજરાતમાં વીજળીની ડિમાન્‍ડ વધી ગઇ છે. વરસાદી ખેતી પર નભતા ખેડૂતોએ પણ આ વરસે પાતાળ કુવાઓમાંથી પાણી ખેંચીને ખેતપેદાશોને પાણી પીવડાવવાની વ્‍યવસ્‍થા કરવી પડી રહી હોવાથી વીજળીની ડિમાન્‍ડ વધી હોવાનું સાધનો ઉમેરી રહયા છે.

ગુજરાત સરકારની વીજ કંપનીઓને ખેડૂતોને આઠ કલાકને બદલે ૧૦ કલાક માટે વીજ પુરવઠો આપવાની સુચના રાજય સરકારે આપી છે. ખેતીની ડિમાન્‍ડ વધવા ઉપરાંત અમદાવાદ , રાજકોટ સહિતના શહેરોમાં ગરમીનો પારો પણ ૩૬ ડિગ્રીની સપાટીને આંબી ગયો હોવાથી વીજળીની ડિમાન્‍ડ એકાએક વધી રહી છે. વીજળીની ડિમાન્‍ડ વધી જતાં ગુજરાત સરકારની કંપનીઓને ઇન્‍ડિયન એનર્જી એકસચેન્‍જમાંથી ૨૦૦૦થી ૨૫૦૦ મેગાવોટ વીજળી ખરીદવાની ફરજ પડી રહી છે. વીજળીની ખરીદીના સમયને આધારે તેની કિંમત તેમને ચુકવવાની ફરજ પડી રહી છે. અદાણી પાવર અને ટાટા પાવરે ગુજરાતને કરારના દરે વીજળીનો પુરવઠો આપવાનું ચાલુ કરી દીધું છે. તેઓ અનુક્રમે ૨૦૦૦ અને ૧૯૮૦ મેગાવોટ વીજળીનો પુરવઠો આપી રહયા છે. તેમ છતાંય ડિમાન્‍ડ વધુ હોવાથી ગુજરાત સરકારની વીજ કંપનીઓને ખાનગી સપ્‍લાયર્સ પાસેથી વીજળીની ખરીદી કરવાની ફરજ પડી રહી છે. સોૈર ઉર્જાથી પેદા થતી વીજળી અને પવન ઉર્જાથી પદા થતી વીજળીના સપ્‍લાયમાં પણ ઘટાડો થયો હોવાથી વધારાની વીજળી ખરીદવાની ફરજ પડી રહી છે.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ પાસે ગેસ આધારિત પાવર પ્‍લાન્‍ટ પાસેથી પણ વીજળી ખરીદવાનો વિકલ્‍પ છે. ગેસ આધારિત વીજળીની ખરીદી કરવા માટે બહુ જ ઊંચી કિંમત ચુકવવી પડે તેમ હોવાથી તેની પાસેથી જવલ્લે જ વીજખરીદી કરવામાં આવે છે. વીજળીની ડિમાન્‍ડ વધી જતાં ઇન્‍ડિયન એનર્જી એકસચેન્‍જમાં વીજળીના યુનિટદીઠ ભાવમાં જંગી ઉછાળો આવ્‍યો છે. હાજરના બજારમાંથી વીજળી ખરીદવા જનારાઓને નોન પીક અવર્સ દરમિયાન યુનિટદીઠ રૂા. ૬.૬૦ના ભાવે વીજળીનો સપ્‍લાય મળી રહયો છે. તેની સામે પીકઅવર્સમાં વીજળી યુનિટદીઠ રૂા. ૧૪.૦૮ના ભાવે મળી રહી છે.

 

(4:07 pm IST)