ગુજરાત
News of Thursday, 20th September 2018

અમદાવાદમાં પાણીપુરી બનાવવા માટે વપરાતા બટાકા, રગડાનો મસાલો અને પાણીની ક્વોલિટી બિનઆરોગ્યપ્રદઃ ટમેટાનો સોસ પણ ખાવાલાયક ન હોવાનું ખુલ્યુ

અમદાવાદ: હવેથી રસ્તા પર ઉભેલી કોઈ પકોડીની લારી પર પાણીપુરીનો સ્વાદ માણવા જાઓ ત્યારે થોડા સાવધાન રહેજો. પકોડી કે પછી તેનો રગડો, મસાલો અને પાણી તમને જોવામાં ભલે ચોખ્ખા અને સ્વાદમાં ચટાકેદાર લાગે, પરંતુ જરુરી નથી કે તે ખાવાલાયક હોય.

થોડા સમય પહેલા જ કોર્પોરેશને પાણીપુરીઓ વાળા તવાઈ બોલાવી હતી. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મંગળવારે પાણીપુરીની લારીઓનું ચેકિંગ કર્યું હતું, જેમાં સડેલા બટાકા તેમજ ગંદા પાણીથી પાણીપુરી બનતી હોવાનું ધ્યાને આવ્યું હતું.

કોર્પોરેશનની ટીમે વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ તેમજ વેજલપુર વિસ્તારમાંથી પકોડીની લારીઓ પરથી સેમ્પલ લીધા હતા. આ ઉપરાંત, વસ્ત્રાપુર, બાપુનગર, જમાલપુર તેમજ અન્ય વિસ્તારોમાંથી 125 જેટલી પાણીપુરીની લારીઓ ચેકિંગ કરી સેમ્પલ લેવાયા હતા.

હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીના જણાવ્યા અનુસાર, પકોડી બનાવવમાં વપરાતા બટાકા, રગડાનો મસાલો તેમજ પાણીની ક્વોલિટી ખરાબ હોવાનું આ ચેકિંગ દરમિયાન સામે આવ્યું હતું. એટલું જ નહીં, જે તેલમાં પાણીપુરી તળાય છે તે પણ બિનઆરોગ્યપ્રદ હોવાનું માલુમ પડ્યું હતું.

ઓગસ્ટ મહિનામાં પણ કોર્પોરેશનની ટીમે 1503 જેટલા સેમ્પલ લીધા હતા. જેમાં 76 મિસબ્રાન્ડેડ હતા, 60 સેમ્પલ સબસ્ટાન્ડર્ડ તેમજ 1 ખાવાલાયક નહોતું. સીજી રોડની દક્ષિણાયન રેસ્ટોરાંમાં અપાતો ટોમાટો સોસ ઉતરતી કક્ષાનો હોવાનું ચેકિંગમાં બહાર આવ્યું હતું.

(5:29 pm IST)