ગુજરાત
News of Thursday, 20th September 2018

રિયલ અેસ્ટેટમાં મંદીના માહોલ વચ્‍ચે અમદાવાદમાં છેલ્લા ૪ મહિનામાં રૂ.૩ હજાર કરોડના જમીનના સોદાઃ જમીનની કિંમત અેક નવી ઉંચાઇ ઉપર પહોંચીઃ કોમર્શિયલ બાંધકામમાં ઉછાળો

અમદાવાદઃ હાલમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદીનો માહોલ હોવા છતાંય છેલ્લા કેટલાંક વખતથી અમદાવાદમાં જમીનની લે-વેચના અબજોના સોદા પડી રહ્યા છે. હાલમાં માંગ ઘટતા અને નવા પ્રોજેક્ટના ક્લિયરન્સમાં ઘણી વાર લાગતી હોવાથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર મંદીનો સામનો કરી રહ્યું છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ચાલતા ગણગણાટ મુજબ મંગળવારે આ ક્ષેત્રના એક અગ્રણી ખેલાડીએ થલતેજ વિસ્તારમાં 13,000 સ્ક્વેર યાર્ડનો પ્લોટ રૂ. 160 કરોડમાં ખરીદી લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્લોટ ખરીદનાર ગૃપ રેસિડેન્શિયલ અને કોમર્શિલ બંને બાંધકામમાં આગળ પડતુ છે. થલતેજ વિસ્તારમાં જમીન ખરીદવા તેમણે પ્રતિ સ્ક્વેર યાર્ડની રૂ. 1.25 લાખ જેટલી ઊંચી રકમ ચૂકવી છે.

સૂત્રોએ આપેલી જાણકારી મુજબ આ પ્રિમિયમ પ્લોટની ત્રણ બાજુ રોડ છે અને તે રેસિડેન્શિયલ કે કોમર્શિયલ કોઈપણ બાંધકામ માટે પરફેક્ટ જગ્યા છે. આ જગ્યા બિલ્ડર ગૃપે રૂ. 160 કરોડમાં ખરીદી છે. અહીં બિલ્ડરને 1.8 FSI મળશે અને વધારાના 0.8 FSIના ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટ્સ પણ મળશે.

સૂત્રોએ જણાવ્યું કે અમદાવાદમાં છેલ્લા ચાર મહિનામાં રૂ. 3000 કરોડના જમીનના સોદા થયા છે જેને કારણે જમીનની કિંમત એક નવી ઊંચાઈ પર પહોંચી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, “કોમર્શિયલ બાંધકામમાં છેલ્લા થોડા સમયથી ઉછાળઓ આવ્યો હોવાથી આ પ્લોટ પર રેસિડેન્શિયલ અને કોમર્શિયલ એમ બંને બાંધકામ ધરાવતો પ્રોજેક્ટ મૂકાય તેવી શક્યતા છે.”

(5:28 pm IST)