ગુજરાત
News of Tuesday, 20th August 2019

નડિયાદના પીપલગમાં અકસ્માતમાં બેભાન બનેલ યુવકના પર્સમાંથી ગઠિયાએ 61 હજારની તસ્કરી કરી

નડિયાદ: તાલુકાના પીપલગમાં રહેતો એક યુવક પોતાનું એક્ટિવા લઈ ગામમાં આવેલ એપીએમસી નજીકથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી બેસતાં એક્ટિવા સ્લીપ ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલ યુવક સ્થળ પર બેભાન થઈ ગયો હતો. જેનો લાભ લઈ અજાણ્યાં શખ્સો યુવકનું એક્ટિવા, મોબાઈલ તેમજ રોકડ મળી કુલ રૂ.૬૧,૦૭૦ નો મુદ્દામાલ ચોરીને ફરાર થઈ ગયા હતા. 

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના પીપલગમાં રહેતાં અનિકેત કમલેશભાઈ પટેલ ગત તા.૨૭-૭-૧૯ ના રોજ પોતાનું એક્ટિવા નં જીજે ૦૭ સીએન ૦૭૪૩ લઈ પીપલગ એપીએમસી માર્કેટ નજીકથી પસાર થઈ રહ્યાં હતાં. દરમિયાન અનિકેતભાઈએ સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી બેસતાં એક્ટિવા સ્લીપ ખાઈ ગયું હતું. એક્ટિવા પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં અનિકેતભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. આ સમયે તેઓ પંદરેક મિનિટ સુધી બેભાન અવસ્થામાં ધકેલાઈ ગયાં હતાં. દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઈસમ અનિકેતભાઈનું એક્ટિવા કિંમત રૂ.૪૦,૦૦૦, એક્ટિવાની ડેકીમાં મૂકેલ રૂ.૬૦૭૦ તેમજ રૂ.૧૫,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂ.૬૧,૦૭૦ નો મુદ્દામાલ ચોરી કરી લઈ ગયાં હતાં. અનિકેતભાઈ ભાનમાં આવ્યાં બાદ તેમનું એક્ટિવા, રોકડ તેમજ મોબાઈલ ના મળતાં તેઓએ તેની શોધખોળ હાથ ધરી હતી. જો કે આ વસ્તુઓની આજદિન સુધી ભાળ ના મળતાં આખરે અનિકેતભાઈ પટેલે નડિયાદ રૂરલ પોલીસમાં અજાણ્યાં ચોર ઈસમ વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

(5:41 pm IST)