ગુજરાત
News of Tuesday, 20th August 2019

સુરતમાં ગારનેટ કોઇન ક્રિપ્ટો કરન્સીના નામે છેતરપિંડી પ્રકરણમાં સુરતના રિતેશ સોજીત્રા અને હિરેન કોરાટ બે દિવસના રિમાન્ડ ઉપર

સુરતઃ ગારનેટ કોઇન ક્રિપ્ટો કરન્સીના નામે સુરતના ૨ શખ્સોના ૨ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગારનેટ કોઇન ક્રિપ્ટો કરશન્સીના નામે વધુ ક છેતરપિંડી થયાનું ખુલતા આરોપી અને ગાર્નેટ કોઇન ક્રિપ્ટો કરન્સીના ભાગીદારો ‌રિતેશ ભીખાભાઇ સોજીત્રા તેમજ હિરલ ઉર્ફે હિરેન ધીરૂભાઇ કોટરાને બે દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે. આ પ્રકરણમાં હજુ ૩ આરોપીઓની શોધખોળ હાથ ધરાઇ છે.

તમામ આરોપીઓ ભેગા મળી ગાર્નેટ કોઇન ક્રિપ્ટો કરન્સીની વેબસાઇટ બનાવી હતી. સુરતના નાના વરાછા સ્‍થિત પાર્વતીનગર સોસાયટીમાં ગાર્નેટ કોઇન ક્રિપ્ટો કરન્સીની ઓફિસ શરૂ કરી અસંખ્ય રોકાણકારોને કોઇનમાં રોકાણ કરાવ્યું હતું. રોકાણકારોને નિવેશ કરાવવા ભવ્ય પ્રમોશનો અને લોભામણી સ્કીમો પણ બનાવવામાં આવી હતી. ગાર્નેટ કોઇનમાં રોકાણ કરનારાઓને ૦.૧૦ યુસ ડોલર ટલે કે સાત રૂપિયા રાખી દર ૧૦ દિવસે કોઇનનો ભાવ વધશે તેવી લોભામણી સ્‍કીમ બતાવવામાં આવી હતી.

ટૂંકાગાળામાં કોઇનનો ભાવ ૨૦૦ રૂપિયા થશે તેવી સ્‍કીમો બતાવી રોકાણકારોના કરોડો રૂપિયા ગાર્નેટ કોઇનમાં નિવેશ કરાવ્યા હતા. જો કે બાદમાં કોઇનનો ભાવ રૂપિયા ૪૨ સુધી પહોંચાડી રાતોરાત વરાછા સ્થિત ઓફિસને તાળા મારી આરોપીઓ ભૂર્ગભમાં ઉતરી ગયા હતા.

છેતરપિંડીનો ભોગ બનનાર ભુપેન્‍દ્ર પરસોત્તમ પટેલ નામના વ્‍યકિત દ્વારા સુરત સીઆઇડી ક્રાઇમમાં અઢી લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે સુરત સીઆઇડી ક્રાઇમે તપાસ કરતા આરોપીઓ અસંખ્ય રોકાણકારોને કરોડો રૂપિયાનો ચુનો ચોપડ્યો હોવાનું બહાર આવ્યું હતું.

સુરત સીઆઇડી ક્રાઇમ દ્વારા આરોપ ભાવિક ધીરૂભાઇ કોરાટ, અનિલ અબાલાભાઇ ગોહિલ તેમજ હિતેશ પ્રફુલભાઇ વઘાસિયાની શોધખોળ શરૂ કરી છે તેમ ધવલસિંહ ચૌહાણના અહેવાલમાં જણાવાયું છે.

(5:29 pm IST)