ગુજરાત
News of Tuesday, 20th August 2019

'મોન્ટુની બિટ્ટુ' ફિલ્મનું ત્રીજુ ગીત 'જય મા ભદ્રકાળી' રીલીઝઃ પહેલી વખત ભદ્રકાળી માતા માટેનો ગરબો

ચિરાગ ત્રિપાઠી લિખીત ગરબામાં મેહુલ સુરતીનું સંગીતઃ પાર્થિવ ગોહિલે આપ્યો સ્વરઃ ૨૩મીએ રિલીઝ થઇ રહી છે સંપૂર્ણ પારિવારિક ફિલ્મ

રાજકોટ તા. ૨૦: વિજયગીરી ફિલ્મોસની અપકમીંગ ફિલ્મ'મોન્ટુની બિટ્ટુ'ની રીલીઝને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ૨૩ ઓગસ્ટના રીલીઝ થનારી આ ફિલ્મનું સંગીત અને ટ્રેલર દર્શકોને ખુબ ગમ્યા  છે. ફિલ્મના ગીતો અને સંગીત લોકોના હોઠે ચડી ચુકયા છે. વિજયગીરી બાવા દ્વારા દિગ્દર્શીત અને ટ્વિંકલ બાવા દ્વારા નિર્મિત આ ફિલ્મનું શુટીંગ અમદાવાદની પોળમાં થયું છે. નખશીખ ગુજરાતી પોળોનું જીવન એે ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ ગણાવવામાં આવી રહ્યો છે. એક પછી એક ધમાકેદાર ગીતોની વચ્ચે ફિલ્મનું ત્રીજું ગીત 'જય મા ભદ્રકાળી' રીલીઝ થઈ ચૂકયું છે.

જાણીતા ગીતકાર ચિરાગ ત્રિપાઠીએ આ ગરબો લખ્યો છે અને લોકપ્રિય ગાયક પાર્થિવ ગોહીલે આ ગરબામાં પોતાનો સ્વર આપ્યો છે. સુપ્રસિદ્ઘ સંગીતકાર મેહુલ સુરતીના મ્યુઝીકે ભદ્રકાળીના ગરબાને ચાર ચાંદ લગાવી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભદ્રકાળી માતાએ અમદાવાદ શહેરની નગર દેવી છે અને પહેલી વખત કોઈ ભદ્રકાળી માતા માટે ઓફિશિયલ ગરબો લઈને આવ્યું છે.

   સંગીતકાર મેહુલ સુરતીના કહેવા મુજબ આ ગરબો એ મા ભદ્રકાળીની આરાધનાનો ગરબો છે. ફિલ્મના મોન્ટુના પોઈન્ટ ઓફ વ્યુથી ગરબો ઝીલાયો છે. ડિરેકટર વિજયગીરી બાવાની એવી બ્રીફ હતી કે મોન્ટુ અમદાવાદની પોળમાં રહે છે તો મને આ ગરબા માટે કોઈ લોકગાયકનો અવાજ નથી જોઈતો, આ ગરબો ફોક સોંગ ન બની જવો જોઈએ. આખરે સંગીતકારે પાર્થિવ ગોહીલના નામ પર કળશ ઢોળ્યો. સંગીતકાર મેહુલ સુરતીના શબ્દોમાં કહીએ તો પાર્થિવ ગોહીલનો અવાજ યુનિવર્સલ છે એટલા માટે આ ગરબા માટે એમનો અવાજ પરફેકટ લાગ્યો. ગરબામાં ઢોલક, ઝાંઝ પખાજ, શરણાઈનો સમવન્ય છે અને તે ગુજરાતી લોકાલને ઘટ્ટ બનાવે છે. ફિલ્મ મોન્ટુની બિટ્ટુમાં કલાકારોનો મોટો કાફલો છે. આરોહી પટેલ, મૌલિક નાયક, મેહુલ સોલંકી, હેમાંશ શાહ, પીંકી પરીખ દેસાઈ, હેપ્પી ભાવસાર, કૌશાંબી ભટ્ટ, કિરણ જોષી, વિશાલ વૈશ્ય અને બંસી રાજપૂત સહીતના દરેક કલાકારો આ ગરબાના તાલે ઝૂમતા દેખાઈ રહ્યા છે. ડીઆઈડી જેવા ટીવી શોથી જાણીતા બનેલા કોરિઓગ્રાફર પ્રિન્સ ગુપ્તાએ આ ગરબો કોરિયોગ્રાફ કર્યો છે.

ગરબાની અંદર માતા ભદ્રકાળીની શ્યામવર્ણી સૌમ્ય મૂર્તિના દર્શન થાય છે. લાલ રંગની ઓઢણી ને સોળે શણગારવાળી મા ભદ્રકાળીના સૌમ્ય સ્વરૂપ ગરબા જેટલી વખત આપણી સામે એટલી વખત હાથ આપોઆપ જોડાઈ જાય છે. ભદ્રકાળી એ મોટાભાગે મહાકાલીનું જ સ્વરૂપ છે જે સર્જન સાથે જોડાયેલું છે. આનંદની વાત છે કે જય મા ભદ્રકાળી ગરબાની દરેક ક્ષણમાં ઉર્જા અને સકારાત્મકતા ભરપૂર અનુભવી શકાય છે.

દિગ્દર્શક વિજયગીરી બાવાનો શબ્દોમાં કહીએ તો જય મા ભદ્રકાળી ગરબો એમણે દરેક ગુજરાતીઓને અર્પણ કર્યો છે. ફિલ્મની કથા અને સંવાદ રામ મોરીએ લખ્યા છે. ફિલ્મમાં વિજયગીરી બાવા, પ્રાર્થી ધોળકિયા અને રામ મોરીની પટકથા છે.

(2:50 pm IST)