ગુજરાત
News of Monday, 20th August 2018

રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલ - નર્સિંગની વિદ્યાર્થીની સહીત ત્રણ લોકોની કેનાલમાંથી લાશ મળી : આપઘાતની આશંકા

અડાલજ અને સુઘડ કેનાલમાંથી ત્રણેયના મૃતદેહ મળ્યા

અમદાવાદ :રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલ,નર્સિંગની છાત્રા અને એક યુવાન એમ કુલ ત્રણ લોકોની કેનાલમાંથી લાશ મળી આવી છે જેમાંતાપી જિલ્લાના પોલીસ કોન્સ્ટેબલ અને નર્સિંગની વિદ્યાર્થિનીના મૃતદેહ અડાલજ અને સુઘડ કેનાલમાંથી મળી આવ્યા હતા. જ્યારે અડાલજ પાસેની કેનાલમાંથી અમદાવાદના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

 આત્મહત્યાના ત્રણ બનાવ અંગે અડાલજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે કોન્સ્ટેબલ અને યુવતીએ એક સાથે આપઘાત કર્યો હોવાનું મનાઈ રહ્યું છે.સુઘડ કેનાલ પાસેથી બિનવારસી બાઈક મળી આવતાં પોલીસે ફાયરબ્રિગેડે જાણ કરી કેનાલમાં શોધખોળ શરૂ કરાવી હતી. આ અંગે કોબા ચોકીના જમાદાર અમરતભાઈએ જણાવ્યુ હતું કે, બાઈકના નંબરના આધારે તેના માલિકનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે આ બાઈક મિત્ર શૈલેષભાઈ બાબુભાઈ તબીયાર લઈ ગયા હોવાનું જણાવ્યુ હતું. 

 પોલીસે કેનાલમાં શોધખોળ કરતાં શૈલેષબાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. મૂળ ભિલોડાના વતની શૈલેષભાઈ તાપિ જિલ્લાના કાકરાપાડા પોલીસમથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ બે દિવસ પૂર્વે ત્યાંથી નીકળ્યા હતા. અડાલજ કેનાલમાંથી મળી આવેલો મૃતદેહ ૨૩ વર્ષની નર્સિંગની વિદ્યાર્થિની પ્રિયંકાબેન અશોકભાઈ ગામેતીનો હોવાનું જાણવા મળ્યુ હતું. પ્રિયંકાબેન અમદાવાદની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા હતાં અન તેમના માતા-પિતા વિજયનગર રહે છે. કોન્સ્ટેબલ શૈલેષભાઈ અને પ્રિયંકાબેન સાથે કેનાલ પર આવ્યા હોવાનું પોલીસ માની રહી છે.

 અડાલજ કેનાલ પાસેથી મળી આવેલા મૃતદેહ અંગે એએસઆઈ નિલેષભાઈ અને સ્ટાફે તપાસ કરી હતી. મૃતકના ખિસ્સામાંથી મળી આવેલા ડ્રાઈવિંગ લાઈસન્સના આધારે તેની ઓળખ થઈ હતી. પોલીસે અમદાવાદના ઠક્કરનગરમાં રહેતા નરેન્દ્ર તારાચંદ શર્મા (ઉ.વ.૩૬)ના પરિવારજનોને જાણ કરતાં તેમણે ઓળખવિધી કરી હતી. ફૂટવેરનો બિઝનેસ કરતાં નરેન્દ્રએ આર્થિક સંકડામણથી કંટાળી જીવન ટૂંકાવ્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે

(8:42 pm IST)