ગુજરાત
News of Tuesday, 20th July 2021

કોરોના બાદ અમદાવાદમાં હવે શરદી - તાવ અને મેલેરિયાના કેસમાં વધારો : હોસ્પિટલ બહાર લાંબી લાઇન

ચિકનગુનિયાની ફરી એન્ટ્રી ઝાડા, ઉલ્ટી, કમળો, ટાઈફોઈડ સહિત મચ્છરજન્ય રોગોમાં વધારો

અમદાવાદ તા. ૨૦ : શહેરમાં કોરોનાની બીજી લહેર ઘણીજ ઘાતક સાબિત થઈ હતી. જોકે હાલ સંક્રમણ ઘટી ગયું છે પરંતુ હવે શહેરમાં ઋતુજન્ય રોગોએ આતંક ફેલાયો છે. જેના કારણે ફરી અમદાવાદીઓના માથે સંકટ છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ચોમાસુ શરૂ થતાની સાથેજ અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઋતુ જન્ય રોગોમાં વધારો થયો છે.

સોલા સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી રહી છે. લાઈન એટલી લાંબી હોય છે કે બે કલાક સુધી લોકોને રાહ જોવી પડે છે. જેના કારણે કોરોના સંક્રમણ પણ ફરી વધી શકે છે. કેસ કઢાવા માટે દર્દીઓ લાંબા સમય સુધી લાઈનમાં ઉભા રહે છે. જેના કારણે બિમાર દર્દીઓ હાલ સોલા સિવિલમાં ભારે હાલાંકીનો સામનો કરી રહ્યા છે.

મોટા ભાગના કેસમાં ઝાડા-ઉલ્ટી, તાવ અને મેલેરિયાના લક્ષણો જોવા મળી રહ્યા છે. જેના કારણે દર્દીઓને એક તરફ કોરોના સંક્રમણની ઝપેટમાં તો નથી આવી ગયા તેનો ભય રહેતો હોય છે. ખાસ કરીને શરદી, સાદો તાવ જેવા કેસમાં ધરખમ વધારો થયો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને લઈને યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવી રહી જેના કારણે તેમને ૨ કલાકતો માત્ર લાઈનમાં ઉભા રહેવું પડે છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં હજું તો ચોમાસાનું આગમન થયું છે. હજુ ૨ થી ૩ મહિના સુધી વરસાદની સીઝન રહેશે. પરંતુ તે પહેલાજ રોગચાળો વકર્યો છે. શહેરમાં એકજ સપ્તાહમાં મેલેરિયાના ૧૦ જેટલા કેસ નોંધાયા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. ઉપરાંત ઝાડા-ઉલ્ટી જેવા કેસ પણ વધી રહ્યા છે

ચોમાસાની સાથે જ અમદાવાદમાં ઝાડા,  ઉલ્ટી, કમળો, ટાઇફોઇડ સહિત મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં મેલેરિયાના ૪૦, ઝેરી મેલેરિયાના ૩, ડેન્ગ્યુના ૨૪ અને ચિકનગુનિયાના ૭ કેસ નોંધાયા છે.

અમદાવાદમાં પાણીજન્ય રોગો એવા ઝાડા-ઉલ્ટી, કમળાના કેસ, ટાઇફોડના કેસો વધુ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સામે આવ્યા છે. જેમાં દરિયાપુર, બહેરામપુરા, રખિયાલ અને ગોમતીપુરમાં કમળાના કેસો નોંધાયા છે. આ વિસ્તારોમાં સાફ-સફાઈની અને પોલ્યુશનની પણ કેટલીક ફરિયાદો આવી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગો અને તેમના બ્રિડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી. જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટિટ્યૂટ જે અત્યારે બંધ છે તેમાં મચ્છર વધારે બ્રિડિંગ કરે છે.આ એકમોને સાફ-સફાઈમાં ધ્યાન રાખવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા સૂચના આપવામાં આવી છે કે બિન જરૂરિયાત પાણી ન ભરાવા દે તે માટે પણ ધ્યાન આપવામાં આવે ખાસ કરીને બેજમેંટમાં પાણી ભરાય છે તે યોગ્ય રીતે નિકાલ કરે જેથી આવી જગ્યાઓ પર મચ્છર બ્રિડિંગના મૂકે.અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા સર્વે કરાયા હતા.

(3:22 pm IST)