ગુજરાત
News of Saturday, 20th July 2019

સમગ્ર સુરતમાં મેગા ડ્રાઈવ :નશાખોરીને ડામવા મોટી કાર્યવાહી :100થી વધુ યુવાનોની અટકાયત

સુરત પોલીસે પીપલોદ, વેસુ,અડાજણ અને ઉમરા વિસ્તારમાં એકસાથે દરોડા પાડ્યા ;કેટલાક પાસેથી વાંધાજનક ડ્રગ્સ મળ્યું :નશાખોર નબીરાની અટકાયતનો દોર

 

સુરતમાં પોલીસે મેગા ડ્રાઈવ કરીને નશાખોરી વિરુદ્દ કાર્યવાહો હાથ ધરાતા 100થી વધુ યુવાનોની અટકાયત કરી છે

  શહેરમાં પોલીસે પીપલોદ, વેસુ, અડાજણ અને ઉમરા વિસ્તારમાં એકસાથે રેડ પાડી હતી. જેમાં અંદાજે વિવિધ વિસ્તારોમાંથી 100થી વધુ યુવાનોને અટકમાં લેવામાં આવ્યા છે. પકડાયેલા આ યુવાનોમાંથી કેટલાકની પાસેથી વાંધાજનક ડ્રગ્સ પણ પકડાયું છે.

 સુરત પોલીસે નશાખોરી સામે સૌથી મોટી કાર્યવાહી કરી છે. સુરત પોલીસે બાતમીના આધારે ઉમરા અને અડાજણ વિસ્તારમાં મેગા ડ્રાઈવ યોજી હતી. પોલીસની આ મેગા ડ્રાઈવમાં 100 યુવાનોની અટકાયત કરવામાં આવી હતી. તમામ યુવાનોને ઉમરા પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. જો કે, પોલીસ તમામ યુવાનોને ટેસ્ટ માટે લઈ જવામાં આવશે. નશાખોરી સામે પોલીસની કાર્યવાહી સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. અને ખાસ કરીને યુવાનોમાં સન્નાટો છવાઈ ગયો હતો. તો ઉમરા પોલીસ સ્ટેશનમાં 100 જેટલાં યુવાનોને લાઈનસર નીચે બેસાડી દેવામાં આવ્યા હતા. આ તમામ યુવાનો શ્રીમંંત પરિવારથી આવતાં હોવાની પણ ચર્ચા છે.

આગામી દિવસોમાં સુરત પોલીસ નશાખોરી સામે હજુ મોટી કડક કાર્યવાહી કરશે તેવા એંધાણ છે. તો હાલમાં જ રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ નશાખોરીને ડામવા માટે કડક આદેશ આપ્યા હતા. ત્યારે શનિવારે રાત્રે સુરત પોલીસ દ્વારા કરાયેલી આ કાર્યવાહી નશાખોરી સામેનું મોટું ઝુંબેશ સાબિત થઈ શકે છે. જો ટેસ્ટમાં યુવાનોએ નશો કર્યો હોવાનું સામે આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સુરત પોલીસ દ્વારા અત્યંત ગુપ્ત રીતે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ ઓપરેશનની માત્ર કેટલાક ઉચ્ચ અધિકારીઓને જ જાણ હતી. સાંજે પોલીસ કર્મચારીઓની વિવિધ ટીમો બનાવીને શહેરના પીપલોદ, વેસુ, અડાજણ અને ઉમરા વિસ્તારમાં રેડ પાડી હતી. આ રેડ દરમિયાન પોલીસને જુદા-જુદા વિસ્તારમાંથી મળીને કુલ 100થી વધુ યુવાનોને પકડી પાડ્યા હતા.

 

(12:45 am IST)