ગુજરાત
News of Saturday, 20th July 2019

વરાછામાંથી ઝડપાયું રૂપિયા 300માં બનાવતું આધારકાર્ડનું કૌભાંડ

સુરત:  વરાછા વિસ્તારમાં ૩૦૦ રૂપિયા લઈને આધાર કાર્ડ બનાવાતા હોવાનું કૌભાંડ એક નનામા ફોનના કારણે ઝડપાઈ ગયું છે. મ્યુનિ.ને ફોન મારફતે આધાર કાર્ડ ગેરકાયદે રીતે બનતો હોવાની ફરિયાદ બાદ ડમી ગ્રાહક મોકલતા વરાછાના હીરા બાગ ખાતે રાજસ્થાનની કીટ પર આધાર કાર્ડ બનાવાતા હોવાનું બહાર આવ્યું હતું. મ્યુનિ.ના વરાછા ઝોને સમગ્ર કામગીરી ઝડપીને કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.  સુરત મ્યુનિ.ને આજે બપોરે ૧૨-૩૦ વાગ્યે નનામો ફોન આવ્યો હતો જેમાં હીરાબાગ પીપી સવાણી સ્કુલ સામે મોરડીયા એસોસીએટસમાં પૈસા લઈને આધાર કાર્ડ બનાવવામા આવે છે તેવી ફરિયાદ મળી હતી. આ ફરિયાદ બાદ વરાછા ઝોનના ઝોનલ ચીફ એવા ડે. કમિશ્નર નિલેશ ઉપાધ્યાયે ડમી ગ્રાહક મોકલ્યો હતો. જ્યાં ૩૦૦ રૂપિયા લઈને આધાર કાર્ડમાં સુધારો કરાતો હોવાનું ઝડપાયું હતું. આ જાણતાં જ મ્યુનિ.ની ટીમ સ્થળ પર પહોચી ગઈ હતી અને દુકાનના સંચાલક મયુર રામજી મોરડીયા પાસેથી રાજસ્થાનના ઓપરેટરની કીટ મળી આવી હતી.  પાલિકાની ટીમે મોરડીયા એસો.માંથી કીટના સાધનો બે લેપટોપ, ફીંગર પ્રિન્ટ ડિવાઈસ, આઈરીસ સ્કેનર, વેબ કેમેરો અને પ્રિન્ટર ઝડપીને કાપોદ્રા પોલીસને જાણ કરતાં કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સૌથી અગત્યના પુરાવા તેવા આધાર કાર્ડ પૈસા લઈને ગેરકાયદે બનાવાતો હોવાનો પહેલો બનાવ સુરત ખાતે બહાર આવતાં પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર પણ ચોંકી ગયું છે. કાપોદ્રા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(4:34 pm IST)