ગુજરાત
News of Saturday, 20th July 2019

પાદરા-જંબુસર રોડ પર મુસાફરો ભરેલ ટેમ્પો પલ્ટી ખાતા 12 ઈજાગ્રસ્ત

વડોદરા: પાદરા-જંબુસર રોડ પર ત્રિકમપુરા પાસે આજે સવારે મુસાફરો ભરેલો ટેમ્પો પલ્ટી જતાં ૧૨ જણને ઇજા થઇ હતી જે પૈકી ગંભીર ઇજાગ્રસ્ત ૧૦ વ્યક્તિઓને વડોદરા ખાતે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સામેથી આવતા છકડાને બચાવવા જતાં ટેમ્પો પલટી ગયો હોવાનું મુસાફરોએ કહ્યું હતું.પિલુદ્રા ગામેથી શાકભાજી ભરેલો ટેમ્પો આજે સવારે પાદરા ખાતે આવ્યો હતો અને શાકમાર્કેટમાં શાકભાજી ખાલી કર્યા બાદ પાદરા બસ સ્ટેન્ડ ચોક પાસેથી ટ્રાફિક પોલીસની હાજરીમાં ટેમ્પોમાં મુસાફરો ભર્યા હતા અને ટેમ્પો પાદરાથી પિલુદ્રા જવા રવાના થયો હતો. આ દરમિયાન ટેમ્પો ત્રિકમપુરા નજીક મહલી તલાવડી પાસેથી પસાર થતો હતો ત્યારે સામેથી એક છકડો આવી રહ્યો હતો. આ છકડો રોડની વચ્ચે ચાલતો હતો અને સાઇડ નહી આપતા છકડાને બચાવવા જતા ટેમ્પો સાઇડ પર પલટી મારી ગયો હતો. ટેમ્પામાં આશરે ૨૦ મુસાફરો ભર્યા હતા જે પૈકી ૧૨ જેટલા મુસાફરો ટેમ્પો નીચે દબાઇ ગયા હતા. ૧૨ ઇજાગ્રસ્ત મુસાફરોને પાદરા સરકારી દવાખાનામાં લઇ જવાયા હતા. આ ૧૨ મુસાફરોમાં ૧૦ની હાલત ગંભીર હોવાથી તેમને વડોદરા એસએસજી હોસ્પિટલમાં રિફર કરાયા હતા.વડોદરા જિલ્લામાં પાદરાની ઓળખ શાકભાજીના ભંડાર તરીકે થાય છે વડોદરા જિલ્લામાં શાકભાજીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અને રોજ સવારે ગામડાઓમાંથી શાકભાજી ભરેલા ટેમ્પા અને છકડા પાદરા ખાતે આવે છે અને બધુ શાકભાજી પાદરા શાકમાર્કેટમાં ઠલવાય છે. અહીથી આ વાહનો મુસાફરોને ગેરકાયદે ભરીને પરત જતા હોય છે અને છાસવારે આવા અક્સામાતો થતા રહે છે છતા પણ પાદરા પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

(4:33 pm IST)