ગુજરાત
News of Saturday, 20th July 2019

વડોદરાના મિરાજ પટેલને ગૂગલમાં કામ કરવાની ઓફર

વડોદરા: શહેરના એક વિદ્યાર્થિનીને અમેરિકામાં એમેઝોન કંપનીએ એક કરોડ રુપિયાના સેલેરી પેકેજ સાથે નોકરી ઓફર કરી છે ત્યારે વડોદરાના અન્ય એક વિદ્યાર્થીને પણ અમેરિકાની સાથે સાથે દુનિયાની પણ ટોચની આઈટી કંપની ગૂગલમાં એક કરોડ રુપિયા કરતા વધારે સેલેરી પેકેજ સાથે પ્લેસમેન્ટ મળ્યુ છે.આ પેકેજ મેળવનાર મિરાજ પટેલે એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં કોમ્પ્યુટર સાયન્સ વિભાગમાં અભ્યાસ કર્યો હતો.મિરાજ પટેલે ૩ વર્ષ પહેલા ડિગ્રી મેળવ્યા બાદ પૂનાની એક કંપનીમાં નોકરી મેળવી હતી અને બાદમાં કેલિફોર્નિયા રાજ્યની સેન હોજે યુનિવર્સિટીમાં સોફ્ટવેર એન્જિનિયરિંગમાં માસ્ટર્સનો અભ્યાસ કર્યો હતો.માસ્ટરની ડિગ્રી મેળવતા પહેલા જ કેમ્પસ ઈન્ટરવ્યૂ દરમિયાન ગૂગલે તેના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.તે બે દિવસ બાદ ગૂગલમાં પોતાની ડ્રીમ જોબની શરુઆત કરશે.યોગાનુયોગ એ છે કે, એમેઝોનમાં એક કરોડ રુપિયાનુ પેકેજ મેળવનાર અનિશા વાઘેલા ટેકનોલોજી ફેકલ્ટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગની એક જ બેચના વિદ્યાર્થી છે અને બંનેએ અમેરિકામાં પણ એક જ યુનિવર્સિટીમાં એક જ પ્રકારના કોર્સમાં પ્રવેશ  મેળવ્યો હતો.વડોદરાના આ બંને સ્ટુડન્ટસ હવે અમેરિકાની બે ટોચની આઈ ટી કંપનીમાં ફરજ બજાવશે

(4:31 pm IST)