ગુજરાત
News of Saturday, 20th July 2019

બનાસકાંઠાના સુઇગામની મોરવાડા માઇનોર-૧ કેનાલમાં ૧૦ ફૂટનું ગાબડુ પડતા પાણી વેડડાયું

બનાસકાંઠા, તા. ર૦ :કેનાલોમાં ગાબડા પડવાની સ્થિતિ યથાવત છે. તેમ છતાં સરકાર ઘ્વારા વિધાનસભામાં કેનાલોમાં ગાબડા પડવા પાછળ ઉંદરો અને નોળીયાઓને ગુનેગાર માનવામાં આવી રહયા છે. સુઇગામની મોરવાડા માઇનોર-1 કેનાલમાં શનિવારે 10 ફૂટનું ગાબડું પડતા હજારો લીટર પાણી ખેતરોમાં વેડફાયુ હતુ. જોકે ખેડુતોએ સમગ્ર મામલે નર્મદા વિભાગની જવાબદારીઓ પર સવાલો ઉઠાવ્યા હતા.

સુઇગામ તાલુકાની કેનાલમાં વારંવાર ગાબડા પડતા હોય છે. જોકે ફરી એકવાર શનિવારે મોરવાડા માઇનોર-1 કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા હજારો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યાં હતા. ખેડુતોનો આક્ષેપ છે કે, નર્મદા વિભાગની ઘોર બેદરકારીને કારણે કેનાલો તુટી રહી છે. જોકે કેનાલોમાં ગાબડા પડવાને લઇ સરકારે વિધાનસભામાં ઉંદરો અને નોળીયાઓને જવાબદાર ઠેરવ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠાની કેનાલોમાં છાશવારે ગાબડા પડતા હોય છે. થોડાક સમય અગાઉ ખેડુતોએ આ બાબતે આવેદનો અને રજૂઆતો પણ કરેલી છે. શનિવારે મોરવાડા માઇનોર-1 કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડયુ હતુ. જેમાં ખેડુતોના ખેતરમાં હજારો લીટર પાણી ફરી વળતા પાકને ભારે નુકશાન થયુ હોવાની શકયતા છે.

(2:47 pm IST)