ગુજરાત
News of Saturday, 20th July 2019

દેશ આખાને ચોમાસાએ આવરી લીધું

ભારતીય હવામાન ખાતાએ કહ્યું છે કે છેલ્લા દાયકામાં સૌથી વધુ દિવસો મોડુ થયેલ ચોમાસુ ગઈકાલે શુક્રવારે અંતે આખા દેશમાં છવાઈ ગયું છે જે નિયત સમયથી ૪ દિવસ પાછળ છે. ગયા વર્ષે ૨૯ જૂને ચોમાસુ સમગ્ર દેશમાં છવાયુ હતું. જે નિયત સમયથી ૨ અઠવાડીયા વહેલુ હતું. (સામાન્ય રીતે ૧૫ જુલાઈએ ચોમાસુ દેશ આખાને આવરી લેતુ હોય છે). ૪ મહિનાની નૈઋત્યના ચોમાસાની શરૂઆત ૧ જૂનથી થાય છે અને ૩૦ સપ્ટેમ્બરે દેશમાંથી વિદાય લેતુ હોય છે.

દેશના ૩૬ હવામાન દ્રષ્ટિએ અલગ તારવાયેલા સબ ડિવીઝનોમાં અત્યાર સુધીમાં ૨૧માં વરસાદની ઘટ છે. જ્યારે ૧૫માં નોર્મલ વરસાદ છે. ગોવા અને કોંકણમાં ૧૬ ટકા વધુ વરસાદ છે.

સૌરાષ્ટ્ર-કચ્છ અને મરાઠાવાડ, વિદર્ભ, તેલંગણામાં સામુહિક રીતે વરસાદની ઘટ જોઈએ તો ૩૫ ટકા જેટલી ગંભીર થવા જાય છે.

આ વર્ષે ૧ લી જૂનને બદલે ૮ જૂને વરસાદનો - ચોમાસાનો ભારતમાં પ્રવેશ થયો છે. જે નોર્મલ તારીખથી ૧ અઠવાડીયુ મોડુ હતું.

'વાયુ' વાવાઝોડાએ ચોમાસાની ગતિને દક્ષિણ, મધ્ય અને પૂર્વ ભારતમાં અવરોધી હતી અને તેના પરિણામે આ વિસ્તારોમાં ૧૦થી ૧૫ દિવસ ચોમાસુ મોડું શરૂ થયેલ.

આમ છતા હવે નૈઋત્યનું ચોમાસુ પશ્ચિમ રાજસ્થાનના બાકીના ભાગોમાં હવે આગળ વધતા શુક્રવારે ચોમાસાએ સમગ્ર દેશને હવે આવરી લીધેલ છે.

હવામાન ખાતાની વેબસાઈટ ઉપર દેશભરમાં ગઈકાલ સુધી ૩૩ ટકા વરસાદની ખાધ દર્શાવાતી હતી જે હવે ઘટીને ૧૮ ટકા થઈ ગઈ છે.

(2:38 pm IST)