અલ્પેશ ઠાકોરના બીજેપી પ્રવેશથી પક્ષમાં જ ભડકોઃ સોશ્યલ મીડિયા પર ભડાસ કાઢી
ગાંધીનગર, તા.૨૦: કોંગ્રેશનો બળવાખોર નેતા અલ્પેશ ઠાકોર બીજેપીમાં પ્રવેશ કરી ચૂકયો છે, જેના કારણે બીજેપીમાં કાર્યકરોમાં રોષ ભભૂકી ઊઠયો છે. હાલ અલ્પેશને લઇને સોશ્યલ મીડિયામાં કાર્યકરોએ પોતાના દિલની વ્યથા ઠાલવી હતી. બીજેપીના જે કાર્યકરો જાહેરમાં નથી બોલી શકતા તેવા કાર્યકર્તાઓએ સોશ્યલ મીડિયા પર પોતાની ભડાસ કાઢી હતી. હાલ સોશ્યલ મીડિયા પર બીજેપીના કાર્યકરોએ પોસ્ટ વાઇરલ કરી છે કે 'બીજેપીમાં નેતાઓ ખૂટતાં અલ્પેશ ઠાકોરને લીધો છે. તો બીજી બાજુ બીજેપીને બીભત્સ વેણ બોલતા અલ્પેશનું સ્વાગત થયું છે. અગાઉ પણ બીજેપીના ઠાકોર નેતાઓએ પીએમ સુધી રજૂઆત કરીને પોતાના દિલની વાત જણાવી હતી. પરંતુ તેમનો કોઇ પ્રભાવ બીજેપીના નેતાઓમાં પડ્યો નહોતો. અલ્પેશના કેસરિયા કરવાથી બીજેપીના જ કાર્યકરો નારાજ થયા છે અને જાહેરમાં ન બોલી શકતા કાર્યકરોએ જુદી-જુદી સોશ્યલ સાઇટો પર પોતાની ભડાસ કાઢી હતી.