ગુજરાત
News of Saturday, 20th July 2019

છેવાડાના માનવીના ઘરે પણ ચુલો સળગે તે પ્રાથમિકતા છે

અનાજ વિતરણ માટે ૩૬૭ કરોડ ફાળવાયાઃ ખાદ્ય તેલ રાહતદરે મળે તે માટે ૨૬૦૦ લાખની ફાળવણી

અમદાવાદ,તા.૧૯: અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું છે કે દરિદ્રનારાયણની સેવા કરવી એ અમારી સરકાર ની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ગરીબ છેવાડાના માનવીના ઘરે ચૂલો સળગે તેની ચિંતા અમારી સંવેદનશીલ સરકાર કરી રહી છે. આજે વિધાનસભા ખાતે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગ માટે રૂપિયા ૧૦૦૫.૨૦ કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતાં મંત્રી રાદડીયાએ ઉમેર્યુ કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સાંજ પડે કોઈ ભૂખ્યું ન રહે તેવી સતત ચિંતા કરવામાં આવે છે. તેમજ ગરીબના ભાગનું અન્ન કાળાબજારિયાઓ વેચી ન મારે તે માટે તેમને જબ્બે કરવા માટે પ્રયાસો કરીને તેમને કડક સજા પણ કરવામાં આવે છે અને ગરીબોને તેમના હકનું ગુણવત્તા યુક્ત અનાજ જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા વિતરણ કરવામાં આવે છે. ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ પારદર્શી બનાવાઈ છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ઘઉં-ચોખાનું વિતરણ કરાય છે એ માટે ચાલુ વર્ષે ૩૬૭.૮૧ કરોડની જોગવાઇ કરી છે. જેમાં કેન્દ્ર સરકારનો ૧૮૦.૮૪ કરોડનો ફાળો રહેશે.  જન્માષ્ટમી અને દિવાળીના બે તહેવારો દરમિયાન બીપીએલ અને અંત્યોદય ગરીબ કુટુંબોને રીફાઇન્ડ કપાસિયા તેલના વિતરણ માટે ૨૬૦૦ લાખની જોગવાઈ કરી છે જે ગરીબોને કાર્ડ દીઠ એક લીટર રૂપિયા ૫૦ના રાહત દરે વિતરણ કરાશે. એ જ રીતે અંત્યોદય બીપીએલ લાભાર્થીઓને રાહત દરે ખાંડ વિતરણ માટે આ વર્ષના બજેટમાં ૧૩૮૨૬.૮૪ લાખની જોગવાઈ કરી છે એ જ રીત ગોઇટર જેવા રોગ સામે રક્ષણ આપવા આયોડીનયુક્ત મીઠાનું વિતરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.  જેમાં  દર માસે કાર્ડ દીઠ ૬ વ્યક્તિ માટે એક કિલોગ્રામ અને  ૬ વ્યક્તિથી વધુ માટે ૨ કિલો ગ્રામ લેખે પ્રતિ કિલોગ્રામ દીઠ રૂપિયા ૧ના ભાવે અપાય છે એ માટે આ વર્ષે રૂપિયા ૧૧૦૭.૩૯ લાખની જોગવાઈ કરી છે.  સાથે સાથે ગરીબ પરિવારના ૬૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધોને અન્નપૂર્ણા યોજના હેઠળ પેન્શન મેળવવા પાત્ર હોય પરંતુ પેન્શન ન મેળવતા હોય  તેઓને માસિક દસ કિલોગ્રામ અનાજ વિનામૂલ્યે અપાય છે. રાદડીયા એ ઉમેર્યું કે,  એનીમિયા અને કુપોષણની ખામી નિવારવા માટે ભારત સરકાર દ્વારા ચોખાનું  ફોર્ટીફિકેશન  અને જાહેર વિતરણ વ્યવસ્થા માટે વિવિધ રાજ્યના ૧૫ જિલ્લામાં પ્રોજેક્ટ હાથ ધર્યો છે જેમાં ગુજરાતના નર્મદા જિલ્લામાં ચોખાનું વિતરણ જેમાં કેન્દ્ર સરકારનો ૭૧.૭૫  લાખ તથા રાજ્ય સરકારનો ૨૩.૯૨ લાખનો ફાળો રહેશે. ભારત સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ થતાં અનાજ માટે ઈન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ પબ્લિક ડીસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હેઠળ પાયલોટ પ્રોજેક્ટ પણ ગુજરાતમાં શરૂ થશે. આ માટે ૧૨૦.૭૯ લાખની જોગવાઈ કરાઈ છે.

 

(9:48 pm IST)