ગુજરાત
News of Saturday, 20th July 2019

સુરતમાં પારિવારીક ઝઘડામાં મહિલા ઉપર એસીડ ભરેલી બોટલનો છુટ્ટો ઘા કરાયો

સુરત: સુરતના ભેસ્તાન ગોલ્ડન આવાસમાં પારિવારીક ઝઘડાના કારણે એક મહિલા પર એસિડ હુમલાનો પ્રયાસ કરાયો હતો. જો કે મહિલાએ છુટ્ટી મારેલી એસિડની બોટલ પકડી લીધી હતી. બનાવમા પાડેસરા પોલીસે ત્રણ લોકો વિરુધ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

સુરતના પાંડેસરા ભેસ્તાન વિસ્તારમા આવેલા ગોલ્ડન આવાસમા યાસ્મિન નામની મહિલા મજુરી કામ કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. છેલ્લા એકાદ વર્ષથી તેમનો પારિવારિક ઝઘડો નસીમ શેખ સાથે ચાલતો આવી રહ્યો છે. ઝઘડાને કારણે અગાઉ ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. દરમિયાન ગુરુવારે મોડી સાંજે નસીમ તેમના ભાઇ જાવીદ અને નસરીનને લઇને યાસ્મિનના ઘરે પહોંચ્યો હતો. જ્યા ફરી ઉગ્ર બોલાચાલી કરી યાસ્મિન પર છુટ્ટી એસિડની બોટલ ફેકી હતી.

જો કે યાસ્મિને એસિડની બોટલ કેચ કરી લેતા મોટી દુર્ઘટના બનતી અટકી હતી. બાદમા ત્રણેયએ ભેગા મળી યાસ્મિનને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. બનાવ બાદ યાસ્મિને તાત્કાલિક બનાવની જાણ પાંડેસરા પોલીસને કરતા ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. હાલ પાંડેસરા પોલીસે નસીમ સહિત ત્રણેય વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:04 pm IST)