ગુજરાત
News of Sunday, 20th June 2021

સુરતના નવસારી બજારમાં બે યુવકોએ કરી ગાયની ચોરી :ઘટના સીસીટીવીમાં કેદ: આરોપીઓ ઝડપાયા

કોટવિસ્તારમાં ઘાસચારો ખાવા નીકળેલી ગાયનું બે યુવાનો ટેમ્પોમાં ચોરી કરી ગયા

સુરતના નવસારી બજાર કોટવિસ્તારમાં ઘાસચારો ખાવા નીકળેલી ગાયનું યુવાનો ટેમ્પોમાં ચોરી કરી ગયાની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. માલિકની ફરિયાદના આધારે પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે

 આ અંગે મળતી વિગત મુજબ સુરતના સગરામપુરા નવસારી બજાર તાતવડા સ્થિત ભરવાડ ફળીયા ઘર નં.8/673 માં રહેતા 48 વર્ષીય પશુપાલક જગદીશભાઈ ખુશાલભાઈ આહીર ઘર નીચે જ તબેલો ધરાવે છે. તેમની પાસે 20 ગાય હોય અને તબેલામાં જગ્યા ઓછી હોય તે ગાય દોહતી વખતે કેટલીક ગાયને તબેલામાંથી બહાર કાઢી ઘરની બહાર ખુલ્લી જગ્યામાં ઘાસચારો નાંખે છે. મળસ્કે ત્રણ વાગ્યે ગાયો દોહતી વેળા તેમણે કેટલીક ગાયોને બહાર કાઢી ઘાસચારો નાંખ્યો હતો
દરમિયાન, આઠ વાગ્યે ગાયો દોહયા બાદ તેમને એક જરસી ગાય મળી નહોતી. તેમણે ઘણી શોધખોળ કરી હતી. પરંતુ સાડા ત્રણ વર્ષની અને રૂ.12 હજારની કિંમતની જરસી ગાયની ભાળ નહીં મળતા તેમણે ગતરોજ અઠવાલાઈન્સ પોલીસ મથકમાં ગાયની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.અઠવાલાઈન્સ પોલીસે સ્થળ પરના તેમજ આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરતા બે વ્યક્તિ એક ટેમ્પોમાં જરસી ગાય લઈ જતા નજરે ચઢ્યા હતા.
પોલીસે ટેમ્પો નંબરના આધારે ઉમરવાડા ચીમની ટેકરા ખાતે રહેતા પીર મો.શકીલ શેખ અને અહમદ જમીલખાન પઠાણની ધરપકડ કરી હતી. જોકે, બંને પાસેથી પોલીસને ચોરેલી ગાય મળી નહોતી. પુછપરછમાં તેમણે રેકી કરી ગાયની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

 

(8:01 pm IST)