ગુજરાત
News of Sunday, 20th June 2021

હવે ધો- 12નું પરિણામ માન્ય ન હોય તો વિદ્યાર્થી આપી શકશે પરીક્ષા: શિક્ષણ બોર્ડની મોટી જાહેરાત

ટૂંક સમયમાં જાહેર થશે પરીક્ષાનો કાર્યક્રમ :એક અલગ વ્યવસ્થાનું આયોજન કરાશે

અમદાવાદ : ધોરણ-12ના તમામ પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને બીજી તક અપાશે. અસંતુષ્ટ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જમા કરાવીને ફરી પરીક્ષા આપી શકે છે. આ માટે એક અલગ વ્યવસ્થાનું આયોજન કરાશે. ગુણાંકન પદ્ધતિનું પરિણામ 15 દિવસમાં બોર્ડમાં જમા કરાવવાનું રહેશે.પરીક્ષા યોજવા અંગેનો કાર્યક્રમ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરાશે

   ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના પરિણામ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને વિષયવાર ગુણ અપાશે.ધોરણ-12ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની માર્કશીટ ધોરણ-10ના ક્યાં વિષય પ્રમાણે ગુણ મુકવા તેને લઈ વિગતવાર માર્ગદર્શિકા તૈયાર કરાઈ છે.આ માર્ગદર્શિકામાં વર્ષ 2020-21ના વર્ષમાં ધોરણ-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બોર્ડની જાહેર પરીક્ષાના બદલે વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવા માટેની રાજ્ય સરકારની ઠરાવેલ નીતિ અંતર્ગત શાળાઓને કાર્યવાહી કરવા માર્ગદર્શિકા આપવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી અને સંસ્કૃત માધ્યમના પરિણામ તૈયાર કરવા માટેના માપદંડો અને ગુણભારની વિગત આપવામાં આવી છે.

(6:17 pm IST)