ગુજરાત
News of Sunday, 20th June 2021

અમદાવાદની સાબરમતી નદીમાં હજારો માછલા મોતને ભેટ્યા

ઓકિસીજન લેવલ ઘટયાનું કારણ સામે આવ્યું

અમદાવાદ : સાબરમતી નદીમાં દૂષિત પાણી ઠાલવાના કારણે હજારો માછલીઓના મોત થયા છે. જોકે એએમસી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, વાતાવરણમાં હ્યુમિડિટી વધતા પાણીમાંથી ઓક્સિજન ઓછું થતું હોય છે અને તેના કારણે વરસાદ પહેલાની સીઝનમાં માછલીઓ મરવાની ઘટના બનતી હોય છે. હ્યુમિડિટીના કારણે માછલીઓ મરવી તે રૂટિન પ્રક્રિયા છે. અચાનક વરસાદ આવતા માછલાઓ શોકના કારણે પણ મૃત્યુ થતા હોવાનું મ્યુનિ. અધિકારીઓ માની રહ્યા છે.

અધિકારીઓના દાવા મુજબ સાબરમતીમાં એક પણ ડ્રેનેજ લાઈનમાંથી પાણી છોડવામાં આવતું નથી. એટલે ત્યાં પ્રદૂષિત પાણી હોવાનો પ્રશ્ન ઉઠતો નથી. તેમ છતા સાબરમતી નદીમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા પણ પૂર્વ વિસ્તારના લાંભા વોર્ડના ગામ તળાવમાં હજારો માછલીઓ મરવાની ગંભીર ઘટના સામે આવી હતી. તળાવની પાણીની સપાટી ઉપર હજારો મૃત માછલીઓ જોવા મળી હતી. જો કે, આ માછલીઓના મોત પાછળ તળાવના પાણીમાં ઓક્સિજન લેવલ ઘટી જવાનું કે પછી ગટરના પાણી ભળી જવાનું કારણ માનવામાં આવી રહ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી લાંભા ગામ તળાવમાં ગેરકાયદે ગટરના પાણી ઠલવાઇ રહ્યાં છે, માછલીઓના મોતથી આસપાસ અસહ્ય દુર્ગન્ધ ફેલાઈ છે જેથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

(1:27 pm IST)