ગુજરાત
News of Thursday, 20th June 2019

ગુજરાત કાલે યોગના રંગમાં હશે : દોઢ કરોડ લોકો જોડાશે

રાજ્યસ્તરીય કાર્યક્રમ અમદાવાદમાં યોજાશે :અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી પણ અન્યની સાથે રહેશે

અમદાવાદ, તા. ૨૦ : ૨૧મી જૂનના દિવસે આવતીકાલે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા ગુજરાતમાં પણ તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ગુજરાતમાં દોઢ કરોડથી પણ વધુ લોકો યોગને લઇને ઉત્સુક બનેલા છે. ૫૦ હજાર સ્થળો ઉપર યોગના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા ખાતે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં યોગ કાર્યક્રમ યોજાશે. નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટ સંકુલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે એક હજારથી વધારે સંત મહંત અને ધર્મગુરુ કાર્યક્રમમાં ભાગ લેશે. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાના પ્રાંગણમાં મુખ્યમંત્રીની સાથે આ કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે. આ વર્ષે પ્રાથમિક સ્કુલ, માધ્યમિક સ્કુલો, ઉચ્ચત્તર માધ્યમિક સ્કુલો, કોલેજો, યુનિવર્સિટીઓ, પોલિટેકનિક, એન્જિનિયરિંગ કોલેજોમાં પણ જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવનાર છે.શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માહિતી આપતા કહ્યું છે કે, રાજ્ય સ્તરીય કાર્યક્રમ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાશે જ્યાં રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. રાજ્યના ૩૩ જિલ્લા, આઠ મહાનગરો, જિલ્લા, તાલુકા, નગરપાલિકા સ્તર પર સામૂહિક યોગ કાર્યક્રમ યોજવામાં આવશે. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક મામલાઓના રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ચુડાસમા કહી ચુક્યા છે કે, રાજ્યના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો ઉપર યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં અંબાજી, સોમનાથ, દ્વારકા, લોથલ, સરખેજ રોજા, પાવાગઢ, મોઢેરાના સુર્યમંદિર, ડાકોર, શામળાજી, સિદી સઇદની જાળી, મહાત્મા મંદિરની નજીક દાંડી કુટિર, અક્ષરધામ સહિતના સ્થળો પર યોગ કાર્યક્રમ થશે.

(9:43 pm IST)