ગુજરાત
News of Thursday, 20th June 2019

રાજયસભાની વિવાદીત ચૂંટણીની હાઈકોર્ટમાં સુનાવણી : અહેમદભાઈ પટેલના વકીલ તરીકે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે હાઈકોર્ટમાં ઉપસ્થિત રહી દલીલો કરી : અહેમદભાઈને વિવિધ સવાલો પૂછાયા જેમાં અર્જુનભાઈ, શકિતસિંહ અને શૈલેષ પરમાર તથા અન્ય એક સહિત ૪ વ્યકિતઓએ અહેમદભાઈની જીત માટે કામ કર્યુ હતું કે કેમ? જેવા ચૂંટણીને લગતા વ્યૂહાત્મક સવાલો પૂછાયા : વધુ સુનાવણી આવતીકાલે

રાજકોટ : રાજયસભાની વિવાદીત ચૂંટણી સંદર્ભે આજે નામદાર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી : જયાં અહેમદભાઈએ તેમની એફીડેવિટ ફાઈલ કરી હતી તેમજ ઈશ્વરના સોંગદ લઈ અને તેઓને પૂછવામાં આવેલા વિવિધ સવાલોના જવાબ અહેમદભાઈએ આપ્યા હતા આ દરમિયાન પૂછાયેલા કેટલાક અગત્યના સવાલો અને તેના જવાબ આ મુજબ છે.

જેમાં અહેમદભાઈને પૂછવામાં આવ્યુ કે, તમારા પોલીંગ એજન્ટ કોણ હતા? જેના ઉત્તરમાં અહેમદભાઈએ જણાવેલ કે ચૂંટણીના ઓબ્ઝર્વર શકિતસિંહ ગોહિલ તથા પોલીંગ એજન્ટ અર્જુનભાઈ મોઢવાડીયા, શૈલેષભાઈ પરમાર, તેમજ બીજુ કોણ હતું એ ખબર નથી. આ જવાબની સામે બીજો સવાલ કરાયો કે આ ચારેયે તમારી જીત માટે કામ કર્યુ હતુ એ સાચુ કે ખોટું? આ સવાલના જવાબમાં
 અહેમદભાઈએ જવાબ આપેલ કે, આ ચારેયે જીત માટે નહિં પરંતુ તેઓએ પોતાને સોંપેલી ફરજને જવાબદારીપૂર્વક બજાવવા કામગીરી કરી હતી.

આ ઉપરાંત અહેમદભાઈને અન્ય કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. જેમાં ઉમેદવારીપત્રક ભરતી વખતે કોણ - કોણ સાથે હતું? કોંગ્રેસના કેટલા ધારાસભ્ય તેઓની તરફેણમાં હતા? રાજનીતિના કાર્યકાળમાં કોંગ્રેસમાં કઈ કઈ પોસ્ટ ઉપર રહી ચૂકયા છે? ચૂંટણીના પરિણામ સામે હાઈકોર્ટમાં રીટ થઈ છે તેવી કયારે અને કેવી રીતે ખબર પડી? અહેમદભાઈને જૂના સમન્સો પણ દેખાડવામાં આવ્યા. આ કેસમાં સામે પક્ષે ભાજપના બળવંતસિંહ છે. હવે આ પ્રકરણમાં આવતીકાલે વધુ સુનાવણી હાથ ધરનાર છે.

ચાલુ હાઈકોર્ટે પી. ચિદમ્બરમનો ફોન રણકયો...

જાણવા મળ્યા મુજબ આ પ્રકરણમાં સુનાવણી ચાલુ હતી તે વખતે ચાલુ હાઈકોર્ટમાં પી.ચિદમ્બરમનો ફોન રણકયો હતો. આથી તેઓએ તાત્કાલીક નામદાર હાઈકોર્ટની માફી માગી હતી અને નામદાર હાઈકોર્ટે તેઓની આ પ્રથમ ભૂલ ગણી માફી આપી હતી. નોંધનીય છે કે જસ્ટીસ બેલાબેન ત્રિવેદીની કોર્ટમાં આ સુનાવણી હાથ ધરાયેલ.

પૂર્વપ્રધાન ચિદમ્બરમનો ફોન સુનાવણીમાં વાગ્યો

કોર્ટ રૂમમાં તમામનું ધ્યાન ખેંચાયું

અમદાવાદ, તા. ૨૦  : ખૂબ જ મહત્વના કેસની સુનાવણી આજે ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહી હતી ત્યારે તે દરમ્યાન જ વચ્ચે એહમદ પટેલના સિનિયર કાઉન્સેલ પી.ચિદમ્બરમના મોબાઇલ ફોનની રીંગ અચાનક વાગી ઉઠી હતી, જેને લઇ સમગ્ર કોર્ટ રૂમમાં વકીલો,પક્ષકારો અને જજનું ધ્યાન તેના તરફ કેન્દ્રિત થયુ હતુ કારણ કે, કોર્ટ રૂમમાં એકદમ શાંત વાતાવરણમાં મોબાઇલ ફોનની રિંગ વાગી હતી. મોબાઇલ ફોનની રિંગ વાગતાં કોર્ટની સુનાવણીમાં પણ ખલેલ પડી હતી, જેથી પી.ચિદમ્બરમે તરત જ પોતાનો ફોન બંધ કરી ન્યાયમૂર્તિની માફી માંગી આ ચૂક બદલ ખેદ વ્યકત કર્યો હતો. ન્યાયમૂર્તિએ પણ ચિદમ્બરમને આ તેમની પ્રથમ ચૂક હોઇ માફી બક્ષી હતી અને બાદમાં કેસની સુનાવણી આગળ હાથ ધરાઇ હતી.

(9:52 pm IST)