ગુજરાત
News of Thursday, 20th June 2019

થરાદ તાલુકાના વાડિયા નજીક પ્રાથમિક શાળાની દીવાલ જર્જરિત હાલતમાં: વિદ્યાર્થીના જીવનને સંકટ

બનાસકાંઠા: જિલ્લાના થરાદ તાલુકાના વાડીયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના વર્ગખંડની છત પરથી પોપડા ખરી રહ્યા છે અને ઓરડાની દીવાલોમાં તિરાડો પડી ગઈ છે. જેને લઈ ચોમાસાની ઋતુમાં આ જર્જરીત શાળામાં કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં તેનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગામમાં આવેલ સરકારી પ્રા.શાળામાં રાબેતા મુજબ શિક્ષણકાર્ય ચાલે છે. અહીંયા ગુરુજીઓ બાળકોને ભણતરની સાથે ઘડતર કરી રહ્યા છે પરંતુ શાળાના વર્ગખંડો ખંડેર હાલતમાં હોવાથી તેમજ છત પરથી પોપડા પડતા હોય જાનહાનિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. જોકે સરકાર વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ છેવાડાના વિસ્તારોમાં પરિસ્થિતિ કંઈક જુદી જ જોવા મળે છે ત્યારે વાડીયાની ખંડેર શાળા મામલે વાલીઓનું કહેવું છે કે તેઓ પોતાના બાળકોને સાળામાં ભણવા તો મોકલે છે પરંતુ તેઓને શાળામાં જાનહાનિ થવાનો ભય સતાવતો રહે છે અને પોતાનું બાળક શાળામાં અભ્યાસ કરીને હેમખેમ ઘેર આવશે કે કેમ તેની ચિંતા સતાવતી રહેશે. જર્જરીત શાળા બાબતે ગામના જાગૃત નાગરિક રમેશભાઈએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતથી માંડીને રાજ્ય કક્ષાએ પણ રજુઆતો કરવામાં આવી છે પરંતુ ગામમાં કોઈ દેખવા પણ સુધી પણ આવેલ નથી અને અમારી કોઈ રજુઆત સરકારના લાગતા વળગતા અધિકારીઓ સાંભળવા તૈયાર નથી. 

(5:45 pm IST)