ગુજરાત
News of Thursday, 20th June 2019

સિંહોનાં અપમૃત્યુ અટકાવવા પીપાવાવ જતી રાત્રીની ટ્રેનો બંધ કરવી જોઇએઃ વનરાજોના મોત મામલે કોર્ટ મિત્રની હાઇકોર્ટમાં ૯ ભલામણ

રાજકોટ, તા., ૨૦: રાજયમાં સિંહોના અકાળે થયેલા અવસાન મુદ્દે કોર્ટ મિત્ર પાસે હાઇકોર્ટે એક અહેવાલ માંગ્યો હતો, કોર્ટ મિત્રએ ૯ મુદ્દાનો એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ ચોંકાવનારા રિપોર્ટમાં અનેક તારણો બહાર આવ્યા છે. કોર્ટ મિત્રે સોંપેલા રિપોર્ટમાં સિંહોનું અકાળે થતું અવસાન અટકાવવા કેટલાક સૂચનો આપ્યા છે.

નવ મુદ્દાઓના આ અહેવાલમાં સિંહોના મોત પાછળ ખુલ્લા કુવાઓ, રેલેવ લાઇનના ઇશ્યુસ, ઇલેકટ્રીક ફેન્સિંગ, રસ્તાઓ, ગેરકાયદેસર ખનન, ગેરકાયદેસર ચાલતા લાયન શો, ટ્રેકર્સની અછત વગરે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે કુદરતી રીતે મારણ માટે પશુઓની અછત. સિંહોનું રેડિયો કોલરીંગ અને જીપીએસ ટ્રેકિંગની સુવિધાના અભાવનપણ એમિકસ કયૂરીએ ટાંકી છે. ટ્રેનની અડફેટે મતોને ભેટતા વનરાજોને બચાવવા માટે પીપાવાવ જતી રાતની ટ્રેનો બંધ કરવી જોઈએ તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ રિપોર્ટમાં સૂચન આપવામાં આવ્યું છે કે સિંહોના ગળામાં GPS સાથેનો રેડિયો કોલર બાંધવો જોઈએ જેથી તેમનું ટ્રેકિંગ કરી શકાય ઉપરાંત ઇલેકટ્રોનિક ફેન્સિંગ કરનારા લોકોની માહિતી આપનારા લોકોને સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ.

રિપોર્ટમાં સૂચન આપવામાં આવ્યું છે કે ગેરકાયદેસર લાયન શો ચલાવનારા લોકો પર બિનજામીનપાત્ર ગુનો દાખલ કરવામાં આવે તેવું સૂચન કરાયું છે. ગીરમાં સિંહ શિકાર કરે છે તેવા પશુઓની સંખ્યા ઘટી હોવાનો પણ અહેવાલ બહાર આવ્યો છે. ગીરમાં આવા પશુઓની સંખ્યા વધારવા પણ સૂચન આપવામાં આવ્યું છે. સિંહ માટે પાણી અછત હોવાનું પ્રાથમિક તારણ છે . સિંહ માટે યોગ્ય સ્થળે પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે તેવો ઉલ્લેખ કરાયો હતો.

(3:54 pm IST)