ગુજરાત
News of Thursday, 20th June 2019

ગુજરાતમાં 'ઇ સીગારેટ' પર પ્રતિબંધઃ ગૃહમંત્રી પ્રદીપસિંહ

પોલીસ દળમાં નવા કૂતરા સામેલ કરાશેઃ માદક પદાર્થ સૂંઘીને પકડી શકવા સક્ષમઃ નશાબંધી ભંગની ફરીયાદ માટે ફોન મેસેજ કરો

ગાંધીનગર, તા.૨૦: ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજયનું યુવાધન નશાના માર્ગેન વળે અને નશાની ચુંગાલમાંથી મુકત થાય તે માટે રાજય સરકાર મક્કમ નિર્ધાર કરીને નશાંધીના ચુસ્ત અમલ માટે કાયદાકીય સુધારાઓ કરી કાયદાને વધુ સુદ્રઢ બનાવ્યો છે ત્યારે ડ્રગ્સ, માદક પદાર્થોના વેચાણ-સંગ્રહ કરનાર કોઇપણ ચમરબંધીને રાજય સરકાર છોડશે નહીં. નાર્કોટીકસ અને માદક પદાથની બદી ડામવા કડક કાર્યવાહી કરાશે. જે વિસ્તારમાં નાર્કોટીકસ પડકાશે તે વિસ્તારના અધિકારીઓ સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરાશે. તેમજ ડ્રગ્સ સૂંઘીને પકડી શકે તેવા ખાસ સ્નિફર ડોગ પોલીસ દળમાં ટૂંક સમયમાં સામેલ કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત રાજયના યુવાનોમાં ઓન લાઇન મંગાવવામાં આવતી આરોગ્ય માટે જોખમી ઇ-સિગારેટનું ચલણ જોવા મળ્યું છે. ઇલેકટ્રોનીક નિકોટીન ડીલીવરી સિસ્ટમ (ENDS) દ્વારા ઓનલાઇન મંગાવાતી ઇ-સિગારેટ ઉપર પણ ગુજરાતમાં પ્રતિબંધ મુકવામાં આવશે. હાલમાં ભારતના ૧૨ રાજયો સહિત વિશ્વના ૩૬ દેશોમાં આ પ્રકારની ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીની કડક સૂચનાનુસાર રાજય ગૃહ મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી, સચિવશ્રી તેમજ રાજય પોલીસ વડા સાથે બેઠક યોજીને રાજયમાં નશાબંધીના કાયદાના વધુ ચુસ્ત અમલ માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

ગૃહ રાજય મંત્રીશ્રીએ વધુ વિગતો આપવા જણાવ્યું હતું કે, કેફી પદાર્થ અને મનોપ્રભાવી દ્રવ્ય અધિનિયમ-NDPS હેઠળ રાજયમાં વર્ષ-૨૦૧૭માં કુલ-૬૭ કેસોમાં ૮૭ આરોપીઓની ધરપકડ કરાઇ છે. વર્ષ-૨૦૧૮માં કુલ-૧૫૦ કેસોમાં ૨૦૭ આરોપીઓ તેમજ વર્ષ-૨૦૧૯માં ૩૧મેની સ્થિતિએ ૬૧ કેસોમાં ૯૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

શ્રી જાડેજાએ કહ્યું કે, જો આવા માદક પદાર્થો પકડવામાં નબળી કામગીરી જણાઇ આવશે તો સંબંધીત અધિકારીઓ વિરૂધ્ધ કડક પગલાં લેવામાં આવશે. જેવી રીતે બહારની એજેન્સી દ્વારા કોઇ સ્થાનિક પો.સ્ટે વિસ્તારમાં મોટે પાયે દારૂ પકડી પાડવામાં આવે ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી વિરૂધ્ધ પગલાં લેવામાં આવે છે તેવી રીતે જો કોઇ વિસ્તારમાંથી કોઇ બહારની એજેન્સી દ્વારા વધુ માત્રામાં માદક પદાર્થો પકડી પાડવામાં આવશે તો પણ સ્થાનિક પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ પગલા લેવામાં આવશે. તેની સામે જો કોઇ એકમ/અધિકરી દ્વારા આ દિશામાં સારી કામગીરી આવે તો તેની પ્રોત્સાહીત કરવા ઇનામ આપવાની પણ અપાશે.

આ ઉપરાંત રાજયના નાગરિકો ફરીયાદ કરી શકે તે માટે ટોલ ફ્રી નં.૧૪૪૦૫ પણ શરૂ કરાયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના કન્ટ્રોલ રૂમના નં.૯૯૭૮૯ ૩૪૪૪૪ પર વોટસએપ અને SMS દ્વારા પણ માહિતી આપી શકાશે અને માહિતી ગુપ્ત રહેશે. સ્ટેટ મોનીટરીંગ સેલનું ફેસબુક આઇ.ડી.sms gujrat અને ઇ-મેઇલ smcgujrat1@gmail.com કાર્યરત કરવામાં આવ્યું છે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ હતું કે, પોલીસની સર્તકતાના પરિણામો ગુજરાતની સીમાઓ ઉપર કોઇ દેશ વિરોધી તત્વો પ્રવેશી શકે તેમ નથી. પોલીસની સઘન ઝુંબેશના પરિણામે તાજેતરમાં રાજયની ATS દ્વારા દેવભૂમિ દ્વારકાના સલાયા ખાતે રૂ.૧૪ કરોડથી વધુનો ૩૦૦ કીલો હેરોઇન જથ્થો જપ્ત કરીને ગુનેગારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર પાસેના ઇનપુટના આધારે ગુજરાત ATS ની ટીમે પેટ્રોલીંગ દરમિયાન ઇન્ડીયન કોસ્ટગાર્ડ સાથે રહીને પોરબંદરના દરિયામાંથી ૯ ઇરાનીઓ પાસેથી ATS દ્વારા રૂ.૫૦૦ કરોડનો અંદાજે ૧૦૦ કીલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ અંગે એ.ટી.એસ. ખાતે ગુન્હો દાખલ કરી આરોપી મહોમદ અબ્દુલ સલામ કન્નીની પુછપરછ દરમિયાન તેમના કબ્જામાં દિલ્હી ખાતેના પહાડગંજ વિસ્તારમાંથી રૂ.૨૦ કરોડની કિંમતનું ૪ કીલો મેથાએમફેટામાઇન પકડી પાડવામાં આવ્યું હતું.

રાજયમાં ખાસ કરીને જે વિસ્તારમાં આવા નશીલા પદાર્થોનું વેચાણ, ઉત્પાદન કે સંગ્રહ થઇ શકે તેવા વિસ્તારો-રૂટ ઉપર સઘન ચેકીંગ તેમજ રાજયના મોટા શૈક્ષણિક સંકૂલો/સંસ્થાઓ આસપાસ વિશેષ તકેદારી રાખી ચેકીંગ તથા વોચ રાખવા આવશે. નબળી કામગીરી જણાશે તો તેવા એકમના સંબંધીત અધિકારીઓ વિરૂધ્ધ કડક પગલાં લેવામાં આવશે. જયારે આ સંદર્ભે સારી કામગીરી બદલ એકમના અધિકારી/કર્મચારીને તેમજ આ અંગે બાતમી આપનાર નાગરિકને પણ ઇનામ-રીવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ ઉપરાંત નાર્કોટીકસના કડક અમલ માટે નવીન ટોલ ફ્રી નંબર શરૂ કરાશે તેવો નિર્ણયો રાજય પોલીસ વડાશ્રી દ્વારા લેવામાં આવ્યા છે.

(3:41 pm IST)