ગુજરાત
News of Thursday, 20th June 2019

રાજ્યમાં ગુનેગારો બેફામઃ ચાવડા

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કહે છે કે પોલીસનો ડર રહ્યો નથીઃ પીજીમાં રહેતી યુવતીઓ તથા મકાન માલિકોએ જાગવાની ટકોર

અમદાવાદ, તા. ૨૦ :. નવરંગપુરામાં બનેલી ઘટના અંગે તીખી પ્રક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ છે કે રાજયમાં બેફામ બનેલા ગુનેગારોમાં પોલીસનો ડર રહ્યો નથી. તેમણે પીજીમાં રહેતા બહેનો તથા મકાન માલિકોએ પણ જાગવાની જરૂર હોવાનું જણાવ્યુ છે.

નવરંગપુરામાં પીજી હાઉસની યુવતી સાથે થયેલી છેડતી મામલે કોંગ્રેસના અધ્યક્ષે પ્રતિક્રિયા આપતા રાજ્યમાં આરોપીઓને પોલીસનો ડર જ રહ્યો નથી તેમ જણાવી સરકાર આ મામલે કડક કાર્યવાહી કરે તેમ જણાવ્યુ હતું.

નવરંગપુરના પીજીમાં યુવતી સાથે થયેલી છેડતી મામલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ કે, રાજયમાં ગુનેગારો બેફામ બન્યા છે. મહિલાઓની સુરક્ષા માટે અનેક સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં આરોપીઓને પોલીસનો ડર રહ્યો નથી ત્યારે સરકાર આ મામલે કોઈ કડક કાર્યવાહી નહીં કરે તો આવનારા દિવસોમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધારે કથળી શકે છે.

મહત્વનું છે કે જે ફલેટમાં આ ઘટના બની છે. તેમાં ૪ ફલેટમાં ૮૦ જેટલી યુવતી પીજી તરીકે રહે છે. એક યુવતી જાગતી હોવાથી કોઈ પણ યુવતી સાથે અણબનાવ બનતા રહી ગયો હતો. પીજીમાં રહેતા મોટાભાગના લોકો મોડા આવતા જતા હોવાથી દરવાજો ખોલવાના આળસના કારણે દરવાજો ખુલ્લો જ રાખતા હોય છે જેના કારણે આવી ઘટના બની છે. આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેથી હવે અન્ય પીજીમાં રહેતી યુવતી અને તેના માલિકોએ જાગવાની જરૂર છે.(૨-૫)

(11:41 am IST)