ગુજરાત
News of Wednesday, 20th June 2018

નારણપુરામાં સગીરાએ કારની ટક્કરથી બાઇકચાલકને ઉડાવ્યો

ઇજાગ્રસ્ત યુવક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં: બાઇકચાલકને ઉડાવી સગીરા ફરાર : નારણપુરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી : સગીરાની શોધખોળ

અમદાવાદ,તા.૨૦ :  શહેરના નારણપુરા વિસ્તારમાં દેવેન્દ્ર પાર્ક બસસ્ટેન્ડ પર ગત મોડી રાત્રે એક સગીરાએ બેફામ ગતિએ સ્કોડા કાર હંકારી એક બાઇકચાલકને જોરદાર ટક્કર મારી ઉડાવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બાઇકચાલકને ઉડાવી સગીરા ઘટનાસ્થળેથી ફરાર થઇ ગઇ હતી. નારણપુરા પોલીસે સમગ્ર મામલે જરૂરી તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફુટેજના આધારે ફરાર સગીરાની તપાસ શરૂ કરી હતી.  સગીરાએ સર્જેલા હીટ એન્ડ રનના અકસ્માતમાં બાઈકચાલકને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એક તબક્કે અકસ્માત બાદ લોકોએ ભેગા થઇ કારચાલક સગીરાને ઝડપી લીધી હતી. જો કે, સગીરાએ પોતે નારણપુરાના ભાજપના કોર્પોરેટરની પુત્રી હોવાની ઓળખ આપી કોઇ કેસ કર્યો છે તો છોડીશ નહીં તેવી ધમકી આપી ફરાર થઇ ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી ુજબ, વાડજના ચાંપાનેર સોસાયટી વિસ્તારમાં રહેતો કિશન પટેલ નામનો યુવક ગઇકાલે રાત્રે બાઇક લઇ નારણપુરા દેવેન્દ્ર પાર્ક બસસ્ટેન્ડ પાસેથી પસાર થઇ રહ્યો હતો. દરમ્યાનમાં વળાંક પાસે એક સ્કોડા કાર બેફામ ગતિએ આવી હતી અને કિશનના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાં જ કિશન ૩૦ ફૂટ દૂર જઇને પડયો હતો. કિશનના બાઇકને ખૂબ જ નુકસાન થયું હતું અને તેને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી.  બીજી તરફ અકસ્માતને પગલે લોકો ભેેગા થઇ ગયા હતા. સ્થાનિક સૂત્રોનાં જણાવ્યા મુજબ, કારમાં જોતાં એક સગીરા કાર ચલાવતી હતી. લોકોએ તેને ઝડપી લેતાં તેણે નારણપુરાના ભાજપના કોર્પોરેટરની પુત્રી છું. કોઇએ કેસ કર્યો છે તો છોડીશ નહીં તેમ કહી લોકોને ધમકી આપી હતી અને તે ત્યાંથી નાસી ગઇ હતી. કિશનને સારવાર માટે લઇ જવાની જગ્યાએ સગીરા કારચાલક કોર્પોરેટરની પુત્રી હોવાનો રોફ જમાવી ત્યાંથી ફરાર થઇ ગઇ હતી. અકસ્માત સર્જનાર સગીરા ખરેખર કોર્પોરેટરની પુત્રી છે કે કેમ? તે હજુ સુધી જાણવા મળ્યું નથી. નારણપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.આર.પટેલે જણાવ્યું હતું કે, રાત્રે અકસ્માતનો મેસેજ મળ્યો હતો. જેની ફરિયાદ નોંધાઇ છે કે કેમ? તે હજુ સુધી જાણવા મળ્યું નથી. તે ખરેખર કોર્પોરેટરની પુત્રી છે કે કેમ? તેની કોઇ માહિતી નથી. બીજી તરફ સૂત્રોનાં જણાવ્યા મુજબ, ઇજાગ્રસ્ત બાઇકચાલકને પોલીસ ફરિયાદ ન કરવા દબાણ કરવામાં આવ્યું હતું.

મોડી રાત્રે નારણપુરા પોલીસને જાણ કરાતાં પોલીસ હોસ્પિટલ પર ગઇ હતી. જો કે, ઇજાગ્રસ્ત યુવકે હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાવી નથી. ફરિયાદ ન નોંધાવવા તેની પર દબાણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

(7:39 pm IST)